Editorial

ફુગાવો કમ્ફર્ટ ઝોનની અંદર આવ્યો પરંતુ પડકાર હજી ઉભો જ છે

કોવિડ રોગચાળો ધીમો પડ્યો પછી વિશ્વભરમાં ફરી એકવાર ચીજવસ્તુઓ અને સેવાઓનો વપરાશ ફરી વધવા માંડ્યો, તેની કેટલીક વસ્તુઓનું ધીમું ઉત્પાદન કે પછી પુરવઠો પહોંચાડવા જેવી સંસાધનીય સમસ્યાઓને કારણે ચીજ વસ્તુઓના  ભાવો વધવા માંડ્યા. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં તો રોગચાળા પછી કામદારોની તંગીના કારણે પુરવઠાની સમસ્યા ખૂબ વકરી અને પરિણામે મોંઘવારી પણ માઝા મૂકવા માંડી. અધુરામાં પુરુ આ વર્ષના ફેબ્રુઆરી માસથી રશિયા અને  યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને તેને કારણે તો વિશ્વભરમાં અનેક વસ્તુઓની તંગી સર્જાતા મોંઘવારી ઓર વધવા માંડી.

ભારતમાં પણ આ વર્ષે મોંઘવારી એક મોટી સમસ્યા રહી છે અને મોંઘવારીને કાબૂમાં લેવા માટે, બજારમાં ફરતું નાણુ  ઘટાડવાના આશયથી દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેનો મહત્વનો ધિરાણ માટેનો દર એવો રેપો રેટ અનેક વખત વધાર્યો. અમેરિકી ફેડરલ રિઝર્વે પણ દર વધારાનો જ માર્ગ અપનાવ્યો, બ્રિટન સહિત વિશ્વના અનેક  દેશોની મધ્યસ્થ બેંકોએ પણ તેમના ધિરાણ માટેના વ્યાજ દરો વધાર્યા. હવે આપણા દેશમાં નોંધપાત્ર બાબત એ બની છે કે ગ્રાહક ભાવસૂચક આંક આધારિત છૂટક ફુગાવાનો દર નવેમ્બરમાં આરબીઆઇના કમ્ફર્ટ ઝોનની અંદર ગયો છે એટલે  કે મોંઘવારીનો દર સહ્ય કહી શકાય તે દરે નીચો ગયો છે. નવેમ્બર મહિનાના મોંઘવારીના આંકડાઓ હાલ બહાર પડ્યા છે અને તેના પરથી આ માહિતી મળી છે. નવેમ્બર મહિનામાં છૂટક ફુગાવો પ.૮૮ ટકાન ૧૧ મહિનાની નીચી સપાટીએ  પહોંચ્યો છે જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની હળવી થતી કિંમતોને આધારે છે એમ સોમવારે જાહેર થયેલા આંકડાઓ જણાવતા હતા.

આ ૧૧ મહિનામાં પ્રથમ વખત થયું છે કે જ્યારે છૂટક ફુગાવો આરબીઆઇના કમ્ફર્ટ ઝોનની અંદર ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સરકારે ફુગાવાનો કે મોંઘવારીનો દર ૪ ટકા પર રાખવાનું કામ સોંપ્યું છે જેમાં ઉપર અને નીચે બંને  બાજુએ બે ટકાનો માર્જીન છે એટલે કે છ ટકાની નીચેનો ફુગાવો સહ્ય સ્તરની અંદર ગણાય છે. ગ્રાહક ભાવસૂચક આંક(સીપીઆઇ) આધારિત ફુગાવો કે જે છૂટક ફુગાવાના દર તરીકે પણ ઓળખાય છે તે નવેમ્બરમાં પ.૮૮ ટકા થયો છે જે  ઓકટોબરમાં ૬.૭૭ ટકા હતો અને ગયા વર્ષના નવેમ્બરમાં ૪.૯૧ ટકા હતો.

નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ નવેમ્બરમાં ફૂડ બાસ્કેટમાં ફુગાવો ૪.૭૭ ટકા હતો, જેની સામે તેની અગાઉના  મહિનામાં તે ૭.૦૧ ટકા હતો. આ છૂટક મોંઘવારીનો દર આ વર્ષના જાન્યુઆરી મહિનાથી આરબીઆઇના ઉપલા સહ્ય સ્તર એટલે કે ૬ ટકાની ઉપર રહ્યો હતો અને છેક ૧૧ મહિના પછી તે આ સ્તરની નીચે ગયો છે. એટલે કે આ વર્ષે પ્રથમ  વખત છૂટક ફુગાવાનો દર કમ્ફર્ટ ઝોનની અંદર આવ્યો છે. ડીસેમ્બર, ૨૦૨૧માં આ છૂટક ફુગાવો પ.૬૬ ટકા હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા સપ્તાહે જ જણાવ્યું હતું કે સૌથી ખરાબ ફુગાવો હવે પાછળ રહી ગયો છે, પરંતુ ભાવવધારા  સામેની લડાઇમાં ગાફેલ રહેવું પાલવે તેમ નથી.

દેશની આ મધ્યસ્થ બેન્કે એમ પણ કહ્યું હતું કે તે ફુગાવાની હિલચાલ પર અર્જુનની નજર રાખશે, તેણે એવો પણ અંદાજ મૂક્યો હતો કે આગામી ૧૨ મહિનામાં ફુગાવો ૪ ટકાની ઉપર રહેશે.  આના પરથી જણાય છે કે મોંઘવારીની બાબતમાં દેશને એકાદ વર્ષ સુધી તો પુરી રાહત મળે તેવી શક્યતા નથી. આરબીઆઇની દર નક્કી કરતી સમિતિએ ફુગાવાને અંકુશમાં રાખવા માટે છેલ્લા કેટલાક સમયમાં તેના દરોમાં અનેક વખત  વધારો કર્યો છે. ગયા સપ્તાહે જ તેણે તેનો બેન્ચમાર્ક રેપો રેટ ૩૫ બેઝિસ પોઇન્ટથી વધારીને ૬.૨૫ ટકા કર્યો હતો. મે ૨૦૨૨થી તેણે આ દરમાં કુલ ૨.૨૫ ટકાનો વધારો બજારમાં તરલતા ઓછી કરવા માટે કરવા માટે કર્યો છે.

આરબીઆઇના પ્રયાસો અને અન્ય પરિબળોને કારણે ફુગાવો હાલ ભલે નોંધપાત્ર નીચો ગયો હોય પરંતુ પડકાર હજી પણ ઉભો જ છે. એક બાજુ મોંઘવારી ઘટી છે તો બીજી બાજુ એક મોંકાણના સમાચાર એ આવ્યા છે કે દેશમાં ચીજવસ્તુઓનું  ઉત્પાદન પણ ઘટ્યું છે. ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ઓકટોબરમાં ૪ ટકા સંકોચાયું હતું, જે મુખ્યત્વે મેન્યુફેકચરીંગ સેકટરના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે અને ખાણ ક્ષેત્રમાં તથા વિજળી ઉત્પાદનમાં મંદ વિકાસને કારણે થયું છે એ મુજબ  શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડાઓ જણાવતા હતા.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા  આઇઆઇપીના આંકડાઓ મુજબ મેન્યુફેકચરીંગ સેકટરનું આઉટપુટ ઓકટોબર ૨૦૨૨માં પ.૬ ટકાના દરે ઘટ્યું છે. જ્યારે ખાણ સેકટરનું ઉત્પાદન મંદ એવા ૨.પ ટકાના દરે અને વિજળીનું ઉત્પાદન તેનાથી પણ વધુ ઓછા એવા ૧.૨ ટકાના દરે  તે મહિનામાં વધ્યું હતું. મેન્યુફેકચરીંગ સેકટરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં ઘટ્યું છે એટલે ચીજવસ્તુઓનો પુરવઠો નોંધપાત્ર ઘટી શકે છે. કેટલીક ખેતપેદાશના ઉત્પાદનમાં પણ ઘટાડાના અહેવાલ છે અને યુક્રેન યુદ્ધ હજી ચાલુ જ છે ત્યારે આગામી દિવસોમાં મોંઘવારી ફરીથી માથું ઉંચકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top