National

કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટો લાભ: મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારી 28 ટકા કરવા કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: (Delhi) દોઢ વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓનું (Central Employees) મોંઘવારી ભથ્થું (Inflation Allowance) બહાલ કરી વધારવામાં આવ્યું છે. હવે કર્મચારીઓને ડીએ 17 થી વધીને 28 ટકા મળશે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કેમ કે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બુધવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થયો છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નવો નિયમ એક જુલાઈથી લાગુ થશે.

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારીના કારણે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહત પર ગત વર્ષથી રોક લગાવી હતી. જાન્યુઆરી 2020, જુલાઈ 2020, જાન્યુઆરી 2021, અને જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને મળવાનું છે. કેન્દ્ર સરકારે પહેલા જાન્યુઆરી 2020માં મોંઘવારી ભથ્થું 4 ટકા વધાર્યું હતું. ત્યારબાદ એ જ વર્ષે જૂન 2020માં ડીએ 3 ટકા વધારવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2021માં 4 ટકા DA વધ્યું હતું. આમ કુલ 11 ટકા વધારો થયો હતો. જેને બહાલી મળતા હવે કુલ 11 મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. 

નાણાં મંત્રાલયે જૂન 2021 સુધીમાં કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (ડીએ) માં વધારો કરવાની સંમતિ પર રોક લગાવી રાખી હતી. જે બહાલ થતાં હવે કેન્દ્રીય કર્મચારીઓને મોટો લાભ મળશે. માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં DA 3 ટકા વધી શકે છે. જો આમ થયું તો કુલ મોંઘવારી ભથ્થું 31 ટકા થઈ જશે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધેલું મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બરથી મળવાનું શરૂ થઈ જશે. લાખો કર્મચારીઓને તેનાથી મોટો ફાયદો થશે. કેન્દ્ર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવાને કારણે હવે કેન્દ્ર બાદ રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પણ વધારવામાં આવે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે.

DA 17% થી વધારીને  28% કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ગત દોઢ વર્ષથી અટકી પડેલા મોંઘવારી ભથ્થાને ફરીથી બહાલ કરવા અંગે મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 1 જુલાઈથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું હવે વધુ મળશે. કર્મચારીઓને 28 ટકા પ્રમાણે ડીએ મળશે જે અત્યાર સુધી 17 ટકાના દરે મળતું હતું. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 11 ટકા વધુ મોંઘવારી ભથ્થું મળશે. 

Most Popular

To Top