SURAT

‘ઘૂસણખોરો બે દિવસમાં સરેન્ડર કરે નહીં તો..’, ગૃહમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી

પહેલગામમાં આતંકી હુમલા બાદ ઘૂસણખોરો સામે ગઈકાલે રાત્રિથી રાજ્યમાં કડક કાર્યવાહી શરૂ થઈ છે. અમદાવાદ અને સુરતમાંથી પોલીસે 1000થી વધુ ઘૂસણખોરોને પકડી પાડ્યા છે, જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે. આ તમામની પૂછપરછ ચાલી રહી છે, દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી ઘૂસણખોરોને ચેતવણી આપતું નિવેદન આપ્યું છે.

રાજ્યના ગૃહમંત્રી તરફથી ઘૂસણખોરો માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આવનારા બે દિવસમાં જે કોઇ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થાય, નહીતર પોલીસ ઘરે જઈ પકડી લેશે. જેઓ આવા લોકોને શરણ આપશે તેઓ પણ પોલીસે નહીં છોડે.

આ કાર્યવાહી કેન્દ્ર સરકારના નિર્દેશો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ લેવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયો પર આધારિત છે. રાજ્ય સરકારો આ આદેશનું પાલન કરે તેવી પણ કેન્દ્ર તરફથી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.

વધુમાં ગૃહમંત્રીએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં એટલાં માળખાગત પ્રમાણમાં કાર્ય કરવામાં આવ્યું કે એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો આખી રાત સતત જાગૃત રહ્યા. રાજ્યના ગૃહ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓએ સુરત તથા અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. જેઓ બાંગ્લાદેશી નાગરિકોને ફેક આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કાગળો તૈયાર કરીને આપતા હતા, તેમની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. આવા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે અમદાવાદ અને સુરતમાં રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને બંને શહેરોમાંથી કુલ 1000થી વધુ ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Most Popular

To Top