ઇંગ્લેન્ડ સામે હાલ રમાઇ રહેલી પાંચ મેચની ટી-20 સીરિઝની ત્રણમાંથી બે મેચમાં આશા અનુસારનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી ટીમ ઇન્ડિયા ગુરૂવારે અહીં જ્યારે ચોથી ટી-20માં મેદાનમાં ઉતરશે ત્યારે કરો યા મરો સમાન એ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વ્રારા ઇંગ્લેન્ડ સામે સીરિઝ બરોબરી પર મુકવાના ઇરાદો ધરાવતી હશે.
સાથે જ ભારતીય ટીમ એવી પણ ઇચ્છા રાખશે કે ટોસની ભૂમિકા મેચના પરિણામ માટે નિર્ણાયક ન સાબિત થાય. હાલની સીરિઝમાં ટોસ જીતીને લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમને સરળતાથી જીત મળી છે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જો કે એવી સ્પષ્ટતા કરી જ દીધી છે કે સાતત્યપૂર્ણ સારા પ્રદર્શનનો બીજો કોઇ વિકલ્પ નથી. તેનું કહેવું છે કે આ વર્ષે ઘરઆંગણે રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાને લેતા ટીમ લક્ષ્યાંકનો પીછો કરે કે પછી પહેલા બેટિંગ કરીને લક્ષ્યાંક આપે બંનેમાં તેમણે સારું પ્રદર્શન કરવાની જરૂર છે.
ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને જે બે મેચ ગુમાવી છે તેમાં ટીમે પાવરપ્લેમાં રીતસર ઝઝુમવુ પડ્યું છે અને તેના કારણે ટીમ ઇન્ડિયાના કુલ સ્કોર પર મોટી અસર પડી છે. એ બંને મેચમાં શ્રેયસ ઐય્યર અને વિરાટ કોહલી એમ એક એક બેટ્સમેને જ સારું પ્રદર્શન કર્યું છે. લોકેશ રાહુલના ખરાબ પ્રદર્શનની ટીમ પર અસર પડી રહી છે પણ કેપ્ટન કોહલી પહેલાથી સ્પષ્ટ કરી ચુક્યો છે કે કર્ણાટકનો આ બેટ્સમેન રોહિત શર્મા સાથે ઓપનર તરીકે તેમની પ્રાથમિકતા છે.
જો ત્રીજી મેચ પછીના કોહલીના નિવેદનને ધ્યાને લેવામાં આવે તો એવું લાગે છે કે ટીમમાં હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરની સાથે વધુ એક ઓલરાઉન્ડરને અંતિમ ઇલેવનમાં સ્થાન મળી શકે છે અને તે ડેબ્યુની રાહ જોઇ રહેલા રાહુલ તિવેટિયા અથવા તો અક્ષર પટેલમાંથી એક હોઇ શકે છે.