આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં ગરીબ, ખેડૂત, વંચિત, પછાત દલિત, આદિવાસી, યુવા, મધ્યમવર્ગ અને મહિલા ઉત્થાન થાય તેવી યોજનાઓ રજુ કરવામાં આવી છે. આ અંગે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા વાર્તાલાપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૃતકાળનું આ પ્રથમ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને સાર્થક કરવા માટે એક મજબૂત પાયાનું નિર્માણ કરવામાં સિંહફાળો ભજવશે. ચાલુ નાણાકિય વર્ષના બજેટમાં સમાજના તમામ વર્ગના નાગરીકોને કંઇકને કંઇક રાહત મળી છે. મહિલાઓ માટે બજેટમાં બચત યોજનાની જાહેરાત, બે લાખની બચત ઉપર 7.5 ટકા વ્યાજ દર મળવા પાત્ર છે.
વૃદ્ધ નાગરિકો માટે હવે 15 લાખની મર્યાદામાં વધારો કરી 30 લાખ સુધી લઇ જવામાં આવ્યો છે. મંથલી ઇન્કમ સ્કીમમાં એક ખાતા ધારક 4.5 લાખની જગ્યાએ 9 લાખ રૂ. વાર્ષિક જમા કરી શકશે. સ્ટાર્ટઅપમાં નવા સ્ટાર્ટઅપ ઉભા થાય અને તેઓનું જોખમ પણ ઓછું થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યાં છે. વ્યાજદર ઉપર એક ટકાની છુટ આપી નાના વેપારીને એક અમુલ્ય ભેટ આપી છે. કોરોનાના કપરાકાળમાં જે એમએસએમઇને નુકશાન થયું છે, તેવા ઉદ્યોગોને 95 ટકા રકમ પરત કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં અમૃત ધરોહર યોજના અમલમાં મુકવામાં આવશે. જેમાં દલદલવાળી જમીન, ઇકો ટુરીઝમ અને સ્થાનીય સમુદાયોને રોજગાર આપવા ઉપર ધ્યાન આપવામાં આવશે. ટુરીઝમને વેગ આપવા 50 નવા પ્રવાસન સ્થળોની પસંદગી કરવામાં આવી છે , જેઓને સરકાર મદદ કરશે. બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ પણ સસ્તી થશે. મિશન કર્મયોગી થકી સરકારી કર્મચારીઓ માટે એક પોર્ટલનું નિર્માણ કરવામાં આવશે.
આણંદને વર્લ્ડ કલાસ સ્ટેશન બનશે
સાંસદે જણાવ્યું હતું કે, ભારતીય રેલના વિકાસ અર્થે બજેટમાં 2.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે. ભારતીય રેલવેમાં 75 હજાર નવી નિમણૂંક કરવામાં આવશે. અમૃત ભારત યોજના અંતર્ગત દેશના 87 રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ એરપોર્ટ જેવા બનાવવામાં આવશે. જેમાં આણંદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.