વડોદરા: શહેરના વારસિયામાં આવેલા સિંધુસાગર તળાવમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જેને પગલે સામાજિક કાર્યકરોએ પહોંચીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બીજી તરફ સિંઘુસાગર તળાવ બ્યુટીફિકેશન કર્યાં બાદ પણ આ તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવમાં ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે અને લોકોને બેસવા માટે માકેલા બાંકડાઓ પણ તૂટી ગયા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિંધુસાગર તળાવની સારસંભાળ રાખવામાં આવતી નથી અને સાફ સફાઇ કરવામાં આવતી નથી. ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોવાથી તળાવમાં ગદંકી થઇ રહી હોવાના આક્ષેપો બે દિવસ પહેલા જ સામાજિક કાર્યકરે કર્યાં હતા, ત્યારે આજે સિંધુસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે. માછલીઓના મોત કેમિકલથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરાના સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમે બે દિવસ પહેલા જ તળાવની ગંદગી અંગે રજૂઆત કરી હતી અને આજે આ ગંદગીને કારણે જ હજારો માછલીઓના મોત થયા છે.
પાલિકાના જાડી ચામડીના અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે માછલીઓના મોત થયા છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. શહેરમાં પાલિકા દ્વારા તળાવોના બ્યુટીફિકેશન કરવામાં આવે છે, પરંતુ, ત્યાર બાદ તળાવોની જાળવણી રાખવામાં આવતી નથી, જેથી ફરીથી તળાવોમાં ગંદગી થઇ જાય છે.