વડોદરા: વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) તરફથી સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેઓની આર્થિક સ્થિતિ નબળી હોય અથવા જેઓને એક ટાંણાનું જમવાનું મળવામાં પણ મુશ્કેલી થતી હોય તેવા લોકો માટે માત્ર પાંચ રૂપિયામાં પેટ ભરીને જમી શકે સાત્વિક ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનોખી પહેલથી શહેરના જરૂરિયાત મંદ અને નિ:સહાય લોકો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. લોકો પેટ ભરીને સાત્વિક ભોજન જમી શકે તેના માટે જ ‘ઇન્દ્રપ્રસ્થનું રસોડું’ ભોજનનું નવતર બિડું યુવાનોએ ઉપાડ્યું છે.
કેટલાય એવા લોકો છે જેઓ પાસે પરિવાર અને પોતાને જમાડવા માટે પુરતા નાણાં નથી. આ વિચારને ધ્યાને રાખીને ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા ‘ઇન્દ્રપ્રસ્થનું રસોડું’ એક ગાડીમાં ફરતું રસોડું બનાવી ભોજનની શરૂઆત કરીને લોકોના પેટના ખાડા પુરવાની ઝુંબેશ હાથ ધરી છે. દર રવિવારે સવારે ૭.૩૦ થી ૧૧:૩૦ સુધી શહેરના ગોત્રી GMERS હોસ્પિટલના દરવાજા સામે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય સીમાબેન મોહિલે રસોડાની મુલાકાત લીધી હતી અને આ કોન્સેપ્ટ માટે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
આ ભોજન સેવામાં શરૂઆતના તબક્કે ચાર પુરી , શાક, એક મીઠાઈ,અથાણું, કચુંબર અને પાણીની બોટલ એમ ૭૦૦ ઉપરાંત લોકોને સેવા પુરી પાડવામા આવે છે. લોકો બેસીને ભોજન લઈ શકે તે માટે ટેબલ છત્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ સમય જશે તેમ તેમ દિવસોમાં પણ વધારો કરવામાં આવશે. સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની કમી નથી. હજારો લોકો તેમને દિવસમાં ભરપેટ ભોજન મળી જાય, તેને માટે મહેનત કરે છે. પરંતુ માત્ર પાંચ રૂપિયામાં અન્યને ભોજન આપીને જઠરાગ્નિ ઠારવાની આ ટેક માનવતાની ઓળખ આપતું પગલું છે.