National

સી.આર. પાટીલનો રેકોર્ડ તૂટ્યો, આ નેતાએ સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ બનાવ્યો!

નવી દિલ્હી: વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે 6 લાખથી વધુ મતોની લીડથી જીત મેળવી રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે સી.આર. પાટીલની લીડ 7 લાખ કરતા વધી ગઈ છે. તેમ છતાં આ વખતે દેશમાં સૌથી વધુ લીડનો રેકોર્ડ સી.આર. પાટીલના નામે નથી. પાટીલ કરતા અન્ય નેતાઓએ વધુ લીડ મેળવી છે.

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશે નવા રેકોર્ડ કર્યા છે. મધ્ય પ્રદેશના ઈન્દોર બેઠકના ઉમેદવાર શંકર લાલવાણીએ સૌથી વધુ મતોથી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. શંકર લાલવાણીને 12,26,751 વોટ મળ્યા છે. લાલવાણી 10,08,077ની લીડથી જીત્યા છે. તેમના હરીફ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંજય સોલંકીને 51659 વોટ જ મળ્યા છે. ઈન્દોર બેઠક પર નોટાએ પણ રેકોર્ડ બનાવ્યો છે. લાલવાણી બાદ સૌથી વધુ મત નોટાને 2,18,674 મળ્યા છે. જે અનેક બેઠકો પરના વિજયી ઉમેદવાર કરતા વધુ છે.

આ ઉપરાંત વિદિશાની બેઠક પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ 8,21,408ની લીડથી જીત્યા છે. શિવરાજસિંહ ચૌહાણને 1116460 વોટ મળ્યા છે. તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાનુ શર્માને 2,95,052 વોટ જ મળ્યા છે.

જ્યારે ગુજરાતના નવસારી બેઠકના ઉમેદવાર સાંસદ સી.આર. પાટીલને 7,73,551ની લીડ મળી છે. હજુ રિઝલ્ટ આવ્યું નથી, પરંતુ તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. હરીફ ઉમેદવારોએ હાર પણ સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ 6,89,000 મતોની લીડ મળી હતી. ત્યારે તે એક રેકોર્ડ બન્યો હતો. આ વખતે સી.આર. પાટીલે પાછલી ચૂંટણી કરતા વધુ લીડ મેળવી હોવા છતાં તેઓ દેશમાં લીડમાં મામલે ત્રીજા ક્રમે છે.

Most Popular

To Top