સુરત (Surat) : ઇન્દોરથી (Indore) સુરતમાં કાપડની (Cloth) ખરીદી (Shopping) કરવા માટે આવેલા વેપારી દંપતિને (Couple) રિક્ષાચાલક ટોળકીએ નિશાન બનાવીને રિક્ષામાં (Auto Rickshaw ) ધક્કામુક્કી કરી હતી અને વેપારીના ખિસ્સામાંથી રૂા.31 હજાર રોકડની ચોરી (Theft) કરી તેઓને નીચે ઉતારી દીધા હતા. વરાછા (Varacha) પોલીસે (Police) ગણતરીના કલાકોમાં જ ઉમરપાડામાં રહેતા આરોપી આવેશને પકડી પાડી રોકડ (Cash) તેમજ રિક્ષા મળી રૂા.1.31 લાખની મતા કબજે કરી હતી.
- રિક્ષાચાલક ટોળકીએ ઇન્દોરથી કાપડ ખરીદવા આવેલા વેપારીના 31 હજાર ચોરી લીધા
- પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાના માલિક અને ચોરી કરનારની ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશમાં ઇન્દોરના દેપાલપુર ગામના વતની હકીમ નુરમોહંમદ પટેલ અને તેમના પત્ની ઇન્દોરમાં તમન્ના ફેશનના નામે કાપડનો વેપાર કરે છે, તેઓ સુરતની રિંગરોડ ઉપર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની ખરીદી કરવા માટે આવ્યા હતા. હકીમભાઇ અને તેમના પત્ની બુધવારે સવારના સમયે વરાછાની પારસી પંચાયતની લક્ઝરી બસના પાર્કિંગમાં ઉતરીને મુખ્ય રોડ ઉપરથી રિક્ષામાં બેસીને રિંગરોડ ઉપર જઇ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં બેસેલા એક યુવકે હકીમભાઇની સાથે ધક્કામુક્કી કરીને રૂા.31 હજાર ચોરી લીધા હતા. રૂપિયા ચોરી લીધા બાદ રિક્ષાચાલકે હકીમભાઇને નીચે ઉતારી દીધા હતા અને તેઓ ભાગી છૂટ્યા હતા. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણી સહિતની ટીમ કામે લાગી હતી અને આરોપી આવેશ ઉર્ફે કાલુ આમીન શેખ (રહે. ઉમરપાડા ઝૂંપડપટ્ટી, સલાબતપુરા)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 31 હજાર રોકડા તેમજ 1 લાખની રિક્ષા પણ કબજે કરી હતી.
આવેશ કેવી રીતે પકડાયો..?
ચોરીની ફરિયાદ આવતાની સાથે જ વરાછા પોલીસની સમગ્ર ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં રિક્ષાનો નંબર ઝાંખો દેખાતો હતો. તેના આધારે તપાસ કરાઇ હતી. દરમિયાન વરાછા પોલીસે બાતમીને આધારે એક શંકાસ્પદ યુવકની પાસે પહોંચી હતી. આ વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેણે રિક્ષા આવેશ ઉર્ફે કાલુ આમીન શેખને આપેલી હતી. પોલીસે આ માહિતીના આધારે ઉમરપાડા વિસ્તારમાંથી જ આવેશને પકડી પાડ્યો હતો.