ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના મેકાસ્સાર શહેરમાં પામ સન્ડે માસની પ્રાર્થના દરમ્યાન એક ચર્ચ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ પોતાને રોમન કેથોલિક કેથેડ્રલની બહાર ઉડાવી દીધા હતા. જેમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું.
ચર્ચના પૂજારી રેવ. વિલ્હેલમસ તુલકે કહ્યું કે, પામ સન્ડે માસની ઉજવણી પૂર્ણ કરી ત્યારે એક મોટો અવાજ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ સવારે લગભગ સાડા દસ વાગ્યે થયો હતો. જે સમયે ચર્ચ જનારાઓનું પહેલું ગૃપ ચર્ચની બહાર નીકળી રહ્યું હતું અને બીજું ગ્રૂપ ચર્ચમાં જઈ રહ્યું હતું.
તેમણે કહ્યું કે, ચર્ચમાં સુરક્ષા ગાર્ડને મોટરસાયકલ પર આવેલા બે વ્યક્તિઓ પર શંકા હતી જેઓ બિલ્ડિંગમાં પ્રવેશ કરવા માંગતા હતા. જ્યારે તેઓ તેમની સાથે મુકાબલો કરવા ગયા ત્યારે એક વ્યક્તિએ વિસ્ફોટકનો ધડાકો કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, બંને હુમલાખોરો તરત જ માર્યા ગયા હતા.
તેમજ ઘટના સ્થળેથી મળેલા પુરાવા દર્શાવે છે કે બંનેમાંથી એક મહિલા હતી. ઘાયલ થયેલા લોકોમાં ચાર ગાર્ડ્સ અને બાકીના ચર્ચમાં જનાર લોકો સામેલ છે.રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ રવિવારે થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમજ ઈજાગ્રસ્તોની તમામ તબીબી સારવારનો ખર્ચ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
તેમણે રાષ્ટ્રીય પોલીસ વડાને આ હુમલાની તપાસ કરવા અને સંડોવાયેલા આતંકવાદી નેટવર્ક પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ હુમલો ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર સાઉથ સુલાવેસી પ્રાંતના પાટનગર મેકાસ્સારમાં થયો છે. માર્યા ગયેલા બે આત્મઘાતી હુમલાખોરોમાં એક સ્ત્રી હોવાનું જાણવા મળે છે.
હુમલાખોરો અંગે જો કે હજી સ્પષ્ટ વિગતો મળી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે ઇન્ડોનેશિયામાં પ્રતિબંધિત ઉગ્રવાદી જૂથ જામેહ ઇસ્લામિયાના નેતાની ધરપકડના વિરોધમાં આ હુમલો થયો હોઇ શકે છે. જો કે હુમલાખોરો અંગે હજી કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર વર્ષ ૨૦૦૨માં નવા વર્ષની ઉજવણી વખતે થયેલા બોમ્બ હુમલામાં ૨૦૦થી વધારે લોકો માર્યા ગયા હતા તે પછી સરકારની કડક સાવચેતીઓ વચ્ચે કોઇ મોટો હુમલો થઇ શક્યો નથી પરંતુ આવા છૂટાછવાયા, નાના હુમલાઓ થતા જ રહ્યા છે.