નવી દિલ્હી: ભારત(India)માં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ફટકો પાડવા જઈ રહ્યો છે. જેનું કારણ છે ઈન્ડોનેશિયા(Indonesia) દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધ. ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલથી પામોલીન તેલ(Palmolin oil)ની નિકાસ(Export) પર પ્રતિબંધ(Ban) મૂકવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડો(Joko Widodo)એ આની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ આગામી આદેશો સુધી ચાલુ રહેશે. જેના પગલે દેશમાં પહેલેથી મોંઘું ખાદ્યતેલ વધુ મોંઘું થવા જઈ રહ્યું છે.
ભારતમાં 70 ટકા પામોલીન તેલ ઈન્ડોનેશિયામાંથી આવે છે
ઈન્ડોનેશિયા સમગ્ર વિશ્વમાં પામોલીન તેલનું સૌથી મોટું ઉત્પાદક છે. જ્યારે બોજા ક્રમે મલેશિયા આવે છે. હાલમાં, ભારત લગભગ 9 મિલિયન ટન પામોલીન તેલની આયાત કરે છે. જેમાંથી 70 ટકા પામોલીન તેલ ઈન્ડોનેશિયાથી ભારતમાં આવે છે, જ્યારે 30 ટકા મલેશિયાથી આયાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ શુક્રવારે પામ તેલની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે હવે ઈન્ડોનેશિયાના આ પગલા બાદ ભારતમાં પામોલીન તેલની આયાત પર માઠી અસર પડશે, આ માટે ભારતે હવે મલેશિયા પર નિર્ભરતા વધારવી પડશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં દેશમાં ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. તેની સીધી અસર મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકો પર પડશે.
વૈશ્વિક ખાદ્ય મોંઘવારી વધી શકે છે
રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે વૈશ્વિક ખાદ્ય મોંઘવારી વધી શકે છે. જે યુક્રેન પર રશિયાના હુમલા બાદ રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સરસવના તેલની કિંમત ઉંચી છે અને રશિયા-યુક્રેનનાં યુદ્ધને કારણે સૂર્યમુખી તેલનો પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે સૂર્યમુખી તેલ ખૂબ મોંઘુ થઈ ગયું છે. આ બાદ હવે ઈન્ડોનેશિયાના પામોલીન તેલની નિકાસ બંધ કરવાની જાહેરાત કરી છે. જેથી મોંઘવારી પણ વધુ વધશે. ભારત સરકાર પામોલીન તેલ ઉત્પાદન પર પણ સતત ભાર આપી રહી છે અને ખાદ્ય તેલના રાષ્ટ્રીય મિશન હેઠળ 2025-26 સુધીમાં ભારતમાં પામોલીન તેલનું ઉત્પાદન ત્રણ ગણું કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ઈન્ડોનેશિયાએ પહેલા જ પ્રતિબંધ લગાવી દીધો હતો
નોંધનીય છે કે આ પહેલા પણ ઈન્ડોનેશિયાએ જાન્યુઆરીમાં પામોલીન તેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જોકે માર્ચમાં તેને હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે જે પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે, તે આગામી સૂચના સુધી પ્રતિબંધ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. એક તરફ દેશમાં લોકોને પહેલેથી જ મોંઘવારીનો માર પડી રહ્યો છે અને બીજી તરફ ઇન્ડોનેશિયાની પ્રતિબંધની જાહેરાતને કારણે લોકોને હવે ખાદ્યતેલ માટે પોતાનું ખિસ્સું વધુ ખાલી કરવું પડશે. પ્રતિબંધની જાહેરાત કરતી વખતે રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું હતું કે હું પોતે તેની દેખરેખ રાખીશ જેથી દેશમાં ખાદ્ય તેલનો પુરવઠો જળવાઈ રહે અને તેની કિંમત પણ ઓછી હોય.