દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા સતત ત્રણ દિવસ ચાલેલા ફ્લાઇટ રદ પ્રકરણ બાદ મુસાફરો માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે. આ ડિસેમ્બર મહિનાના તા. 3, 4 અને 5 તારીખે ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરોને ભારે અસુવિધા અને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
વધતી ફરિયાદો અને મુસાફરોના રોષ પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ કંપની સામે કાર્યવાહી હાથ ધરી હતી. હવે ઇન્ડિગોએ સત્તાવાર રીતે વળતર અને વાઉચર અંગેની જાહેરાત કરીને મુસાફરોને રાહત આપી છે.
5,000થી 10,000 સુધીના વળતરનો દાવો
ઇન્ડિગોએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત મુસાફરોને DGCA દ્વારા નક્કી કરાયેલા નિયમો અનુસાર રૂ 5,000થી રૂ10,000 સુધીનું વળતર આપવામાં આવશે. જે મુસાફરોની ફ્લાઇટ્સ એરલાઇનની ભૂલ અથવા આંતરિક કારણોથી રદ થઈ હતી તેઓ આ વળતર મેળવવા પાત્ર છે. વળતરનું મૂલ્ય ફ્લાઇટના અંતર, ટિકિટના પ્રકાર અને મુસાફરોને થયેલી અસુવિધા પર આધારિત રહેશે.
10,000નું વધારાનું ટ્રાવેલ વાઉચર પણ મળશે
ઇન્ડિગોએ સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરો માટે વધારાના રૂ.10,000ના ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી છે. આ તે મુસાફરોને આપવામાં આવશે જેમની મુસાફરી એકથી વધુ વખત રી-શેડ્યૂલ કરવામાં આવી હતી. જેમને લાંબો વિલંબ સહન કરવો પડ્યો હતો.
આ ટ્રાવેલ વાઉચર 12 મહિનાની અંદર કોઈપણ સમયે ઉપયોગ કરી શકાશે. મુસાફરો આ વાઉચરનો ઉપયોગ ઇન્ડિગોની કોઈપણ ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે કરી શકશે.
એરલાઇને મુસાફરોને સલાહ આપી છે કે વળતર અને ટ્રાવેલ વાઉચર સંબંધિત માહિતી માટે તેઓ પોતાના રજિસ્ટર્ડ ઇમેઇલ અને મોબાઇલ નંબર પર મોકલાયેલા મેસેજો તપાસે. વિતરણ પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવશે જેથી મુસાફરોને કોઈ વધારાની ઝંઝટ ન કરવું પડે.
ઇન્ડિગો પર છેલ્લા અઠવાડિયે સ્ટાફની અછત અને શેડ્યૂલિંગ સમસ્યાઓને કારણે એકસાથે અનેક ફ્લાઇટ્સ રદ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. હવે, એરલાઇન આ વળતર નીતિને મુસાફરોનો વિશ્વાસ ફરી જીતવાનો પ્રયાસ ગણાવી રહી છે.