Comments

ઇન્ડિગોએ સરકારને ઝુકાવીને આબરૂં લૂંટી

હોતા હૈ, ચલતા હૈ ! એ કલ્ચરને ભારત સરકાર સુધારી શકી નથી, બલ્કે વધુ વણસ્યું તેનું બોલકું ઉદાહરણ જોયું. હજી હમણા તો એર-ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં તૂટી પડયું હતું. એ વખતે સફાળી જાગેલી સરકાર અને તેની જવાબદાર એજન્સીઓ, વિભાગો વગેરે સફાળા ઊંઘી ગયાં. પાંચ મહિના ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તર પર નાક કપાવવાનો વખત આવ્યો. એટલું જ નહીં દેશની એક સૌથી મોટી વિમાન-પ્રવાસન કંપની ઇન્ડિગોએ તુમાખી સાથે સરકારને બાનમાં લીધી અને સરકારે એ કંપની સમક્ષ, વિમાન પેસેન્જરોની સલામતીની ચિંતા નેવે મૂકીને, સર ઝૂકાવવું પડયું.

ઇન્ડિગો ઇચ્છતી હતી કે મુસાફરોની સલામતીને પ્રાધાન્ય ન આપવું જોઇએ. ઇન્ડિગોની ગોરા વંશનો વિદેશી સીઇઓએ સરકારને સાણસામાં લેવાનો પેંતરો ઘડી રાખ્યો હતો અને સરકાર સાણસામાં આવી ગઇ. પરંતુ સીઇઓ પીટર એલ્બર્સની કુટખાઇ એને પોતાને અને કંપનીને ભારે પડી ગઇ. સાથે સરકાર પણ ફસાઇ ગઇ. શનિવાર સુધીના પાંચ દિવસ દેશનાં મેટ્રો શહેરોનાં એરપોર્ટસ પાંજરાપોળમાં ફેરવાઇ ગયાં રોજના છ લાખની આસપાસની સંખ્યામાં મુસાફરો એરપોર્ટસમાં ફસાઇ ગયા હતા. ઇન્ડિગોના કર્મચારીઓ તરફથી સાચી માહિતી આપવા સુધીની કોઇ મદદ નહીં.

પેસેન્જરોનો સામાન કાર્ગોમાં જમા થયો હતો. તેઓ ઘરે પણ જઇ શકે તેમ ન હતા. બહારગામોથી આવેલા મુસાફરોએ ફરજિયાત એરપોર્ટસ પર રહેવું પડયું. ખાવા, પીવા, નહાવાનાં ચોવીસ ચોવીસ કલાક સુધી કોઇ ઠેકાણાં નહીં. અનેક લોકો સ્ટાફ પર ઊકળાઇ જતાં હતાં. દરેક એરપોર્ટ પર દિવસો સુધી માથાકૂટ રહે ત્યારે વિદેશોથી ભારતમાં આવેલા પ્રવાસીઓ આ ઘાર જોયા બાદ ભારત વિષે મનમાં કેવી છાપ લઇને ગયા હશે ? કોઇ પણ દેશની પ્રથમ છાપ તો એરપોર્ટસ પરથી ઊભી થતી હોય છે.

મંગળવારથી ઇન્ડિગોએ ફલાઇટો કેન્સલ કરવા માંડી હતી. આ પૂર્વયોજિત પ્લાન લાગે છે છતાં ટિકિટો બધા દિવસો માટે વેચી હતી. શનિવાર સુધીમાં ફલાઇટો જે કેન્સલ થઇ તેનો કુલ પાકો આંકડો ઉપલબ્ધ થયો નથી, પણ તે કુલ એક હજારથી વધુ કેન્સેલેશનના આંકને વટાવી જશે. હજી તો એ રીતરસમ ચાલુ છે. બે હજારનો આંક વટાવી જાય તો પણ નવાઇ નહીં. શુક્રવારે દિલ્હીમાંથી ઇન્ડિગોની એકપણ ફલાઇટ ઊડી ન હતી. મુંબઇથી ઉપડતી 65 ટકાથી વધુ કેન્સલ થઇ. શનિવારે ચારસોથી વધુ રદ થઇ.

આ માનવસર્જિત કઠણાઇની શરૂઆત ત્યારે થઇ જયારે ભારત સરકારના ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા સલામતીની નવી સંહિતા લાગુ પાડવાનો સમય આવ્યો. જો કે આ સમય અણધાર્યો આવી પહોંચ્યો ન હતો. વાસ્તવમાં બે વરસ અગાઉ નવા નિયમો માટેનો કાર્યક્રમ અપાઇ ચૂકયો હતો. તે મુજબ વિમાનના પાઇલટો પાસેથી વધુ કામ લેવાને બદલે તેઓને થોડો વધુ આરામ આપવાની જોગાઇ હતી. ભારતમાં ઇન્ડિગો પાસે સૌથી વધુ 400 જેટલાં વિમાનો છે અને સૌથી વધુ 5500 પાઇલટો છે, પરંતુ વિમાન દીઠ પાઇલટોની સરેરાશ કે ફાળવણી ગણવામાં આવે તો ઇન્ડિગો પાસે એક વિમાન દીઠ બાકીની સૌ નાની મોટી એરલાઇનો કરતાં સૌથી ઓછા, તેર પાઇલટો છે. તેનો અર્ત એ કે ઇન્ડિગો પાઇલટો પાસેથી વધુ કામ લે છે.

પાઇલટનું કામ ખૂબ જ થકવી નાખનારું હોય છે. રાત-દિવસ સચેત રહીને દેશ અને દુનિયામાં ભમતા રહેવું, ઊંઘ અને ભૂખની અવગણના કરવી તે નાની માનું કામ નથી. દુનિયાભરના નિષ્ણાંતો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે પાઇલટોને જરૂરી આરામ મળે તો અકસ્માતો અને તે થવાની શકયતાઓ ઘરે. આ કારણથી ‘ફલાઇટ ડયુટી ટાઇમ લિમિટેશન્સ’ તરીકે ઓળખાતાં નવા નિયમો બે વરસ અગાઉથી આપવામાં આવ્યા હતા. તે અનુસાર જે એરલાઇનોએ પૂરતી સંખ્યામાં પાઇલટોની નિમણૂંક ન કરી હોય તેઓને બે વરસની મહોલત અપાઇ હતી. ગયા વરસે કંપનીએ 7258 (સાત હજાર બસ્સો અઠ્ઠાવન) કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

કંપનીના શેરો પણ શેરબજારમાં ઝડપથી ઊંચે ગયા હતા. પરંતુ કંપની અન્ય કંપનીઓની સરખામણીમાં પેસેન્જરોની સુરક્ષાને ખાસ મહત્ત્વ આપતી ન હતી. તે સામે ટાટાની એર ઇન્ડિયાએ ગયા વરસે લગભગ દસેક હજાર કરોડની નુકશાની કરી છતાં આ વરસે સરકારના નિયમો સામે પડી નહીં. જે રીતે ઇન્ડિગો પડી. ઇન્ડિગો સરકાર સામે, નવા નિયમોની વિરૂધ્ધમાં અદાલતોમાં પઇ ગઇ ત્યાં હારી ગઇ.

દરમિયાન હમણા એર-ઇન્ડિયાનું વિમાન તૂટી પડયું. નિયમોના પાલનમાં સમાધાન શકય ન હતું. પરંતુ ઇન્ડિગોને અહંકાર હતો કે દેશની સૌથી મોટી વિમાન કંપની છે. દેશના વિમાન વ્યહારમાં 64 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તેથી એ નિયમોના નામે હવાઇ વ્યવહાર ઠપ કરી દેશો તો સરકારે ફરજિયાત નમતું જોખવું પડશે. આ અમંગળ ઇરાદાઓ બર આણવા માટે કંપનીએ છેક સુધી નવા પાઇલટોની ભરતી ન કરી. અને છેવટે નાક કપાવીને અને સરકારનું નાક કાપીને, પોતાનું ધાર્યું કરવામાં, કંપની હાલમાં સફળ રહી છે. સરકારે નવા નિયમોનો અમલ ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખવો પડયો છે.

ટુંકા ગાળે ધાર્યું કરાવવા ગયેલી કંપનીએ વાસ્તવમાં એક મગરમચ્છને છંછેડયો છે. અલ્પહસ્તક ઇજારો ધરાવતી કંપનીએ હવે અનેક નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. સરકાર ઝાઝો વખત ખફા રહી તો મોનોપોલી પણ ગુમાવવી પડશે. શેરબજારમાં કંપનીનટ શેરોની કિંમત સવા દસ ટકાથી વધુ ઘટી ગઇ. સંપૂર્ણ ફિઆસ્કાની તપાસ કરવા સરકારે વ્યસન મૂજબ તપાસ સમિતિ નીમી છે. વાસ્તવમાં એરલાઇનો પાસે યોગ્ય કામકાજ કરાવવાની જવાબદારી ડીજીસીએ અને ભારત સરકારના ઊડયન મંત્રાલયની છે. નાગરિક ઊડયન ખાતાના મંત્રી કે.આર. નાયડુ છે અને રાજ્ય કક્ષાના મંત્રી મુરલીધર મોહોલ છે. નાયડુ, ચન્દ્રાબાબુના કવોટામાંથી આવે છે. ડીજીસીએ તરીકે ફૈઝ અહમદ કીડવાઇ છે.

આ બધાએ મળીને એવી ઘોર લાપરવાહી આચરી કે લોકોએ બીજી એરલાઇનોની પાંચ હજાર રૂપિયાની થાય એ ટિકિટ માટે એંસીથી નેવુ હજાર ચૂકવવા પડયા. એરપોર્ટસની આસપાસની અને શહેરોની અન્ય હોટેલોમાં એક રાત વસવાના ત્રીસથી એંસી હજાર રૂપિયા ચૂકવવા પડયા. મૂડીવાદી રચનામાં દરેક રોકડી કરવા આવી જાય. તેમ ન થાય તે જોવાની જવાબદારી સરકારની હોય છે. સરકાર કહે છે કે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે હવે કંપનીના સીઇઓ ઉપરાંત સરકારી પ્રધાનોના, અધિકારીઓનાં માથાં હણી લેવાશે. સરકારી સમિતિનો રિપોર્ટ પંદર દિવસમાં  આવી જશે તે રિપોર્ટ પર પંદર વરસ બેસી જવાનો જૂનો નિયમ સરકાર અપનાવશે તો સરકાર ઉદ્યોગપતિઓને છાવરી રહી છે, તે એક માન્યતા બની રહી છે, તે વધુ મજબૂત બનશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top