Columns

ભારતનો યક્ષ પ્રશ્ન : ટૅરિફ યુદ્ધમાં અમેરિકા કે ચીન કોનાથી વધારે ડરવાની જરૂર છે?ભારતનો યક્ષ પ્રશ્ન

ફાટીફાટીને ધુમાડે જવું – આ વાક્ય સાથે ટ્રમ્પને કોઈ સંબંધ છે? કદાચ હોઈ પણ શકે. સત્તાને શાણપણ સાથે કોઈ સંબંધ નથી હોતો. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે ચીન અને અમેરિકા અને બંન્ને વચ્ચેનું ટૅરિફ વૉર થોભવાનું નામ લે એવું લાગતું નથી. વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં જબરું અસંતુલન પેદા થઇ ગયું છે. ટ્રમ્પ પણ ક્યારેક ટૅરિફના તીર સામટા ચલાવે છે, તો ક્યારેક પછી અમુક દિવસોની રાહત આપવાની વાત કરે છે પણ ચીનને મામલે ટ્રમ્પને કોઈ બાંધ-છોડ નથી કરવી. એટલે જ એવો ઘાટ થયો કે બીજા બધા દેશો પર લગાડેલા કરવેરાને ટ્રમ્પે હંગામી ધોરણે રોકી લીધી પણ ચીન પરના કરને 125% વધારી દીધો. આ પહેલાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 84% કર લાગુ કરવાની જાહેરાત કરી હતી. મામલો બિચક્યો તો એ હદે કે અમેરિકાએ ચીનને કર નીચે કચડી નાંખવાનું જ નક્કી કરી લીધું. આટલા ઊંચા ટૅરિફને પગલે ચીને અમેરિકન માર્કેટમાંથી બહાર જ નીકળી જવું પડે એવું બની જ શકે છે. ચીન અને અમેરિકા એકબીજા સાથે તો જે કરે છે એ કરે જ છે પણ આ સંજોગોમાં ચીને ભારતની મદદ માગી છે.
ચીની દૂતાવાસનાં પ્રતિનિધિએ ભારતને એવું સૂચન કર્યું છે કે બંન્ને દેશોએ મળીને અમેરિકાના ટૅરિફ હુમલાને ટક્કર આપવી જોઈએ. તેમનું માનવું છે કે ભારતી-ચીનના આર્થિક સંબંધો એકબીજાને મળનારા લાભ પર આધારિત છે અને અમેરિકાના વલણને (ટ્રમ્પના) ખડા થયેલા સંકટમાં બંન્ને દેશોએ સાથે ખડા રહેવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે ચીન અને ભારત વચ્ચેનાં વ્યાપારી સંબંધો પારસ્પરિક લાભ પર આધારિત છે. USએ ટૅરિફનો દુરુપયોગ કરે છે. ભારત અને ચીન બંન્ને મોટા વિકાસશીલ દેશ છે અને ગ્લોબલ સાઉથમાં વિકાસમાં અવરોધ બનનારા તત્વોનો બંન્ને રાષ્ટ્રોએ વિરોધ કર્યો છે. ટૅરિફના યુદ્ધમાં કોઈ જીતવાનું નથી પણ તે વિકાસશીલ દેશોની આર્થિક પ્રગતિના અધિકારો છીનવી લેનારો સંઘર્ષ છે.
ભારત અને ચીન બંન્નેએ ટ્રમ્પના ટૅરિફ્સને એકબીજાથી સાવ ભિન્ન પ્રતિક્રિયા આપી છે. ભારતે તો તરત પ્રતિક્રિયા ન આપવાનું જ નક્કી કર્યું. એટલું જ નહીં પણ ભારત તો આ સંજોગોમાં પણ US સાથે વાટાઘાટ કરાયેલા વ્યાપારી સોદાને સાચવવા માગે છે. ચીને કોઈ મુત્સદ્દીપણું વાપર્યા વિના પોતે છેક સુધી અમેરિકા સાથેના આ વ્યાપારી યુદ્ધમાં લડ્યા કરશે એવી વાત કરી છે. આપણા સત્તાધીશો મુત્સદ્દી છે, તેલ જુઓ તેલની ધાર જુઓ વાળી નીતિ અત્યારે તેમને યોગ્ય લાગે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે તો એમ વિધાન કર્યું કે સરકાર દેશના હિતમાં કામ કરી રહી છે, ગભરાવાની જરૂર નથી. આ ‘નરો વા કુંજરો વા’ જેવું વિધાન છે પણ કશું પણ સાફ બોલીને પછી પસ્તાવાનો વારો આવે એના કરતાં આ જ વલણ સલામત છે.
આ તરફ વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને UNના સલાહકાર પ્રોફેસર જેફરી સાક્સે ભારતને એવી ચેતવણી આપી છે કે અમેરિકાના ચીન વિરોધી એજન્ડામાં હાથો બનવાથી બચવું. તેમના મતે અમરિકા ભારતને ચીનની સામે ખડો કરવા માગે છે. અમેરિકાની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે અને ભારતને તે ચીન સામે કાઉન્ટરવેઇટ તરીકે વાપરવા માગે છે. જેફરી સાક્સનું માનવું છે કે ચીન અને ભારત સાથે મળીને વિશ્વને બહેતર બનાવી શકે છે. વડા પ્રધાને ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન ભારત તરફી વાત રજુ કરી જ હતી. તેમણે એ વલણ રાખ્યું કે તેઓ ટ્રમ્પની નીતિ સમજવા માગે છે. અમેરિકાના 90 દિવસને ટૅરિફ પૉઝનો લાભ ભારતને મળ્યો. હવે ભારતે કદાચ નવા ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત પણ આગળ વધારવાની દિશામાં કામ કરવું જોઈએ. ભારતે અમેરિકા કે ચીન કોઈને પણ પ્રતિભાવ આપવામાં જરાય ઉતાવળ ન કરી અને બેમાંથી એકે ય દેશનું પ્યાદું બનવાની સ્થિતિમાંથી હજી સુધી ભારત બચેલો છે. બાકી તો આગેઆગે ગોરખ જાગે.
11મી એપ્રિલે ચીનમાં ભારતના રાજદૂતે ચીનના ઉપવિદેશ મંત્રી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધો અને અને ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરી હોવાના સમાચાર પણ આવ્યા. આ ઉપરાંત ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ અને આપણા વડાપ્રધાને મુલાકાત કરી હતી. રશિયાના કઝાનમાં થયેલી આ બેઠક પછી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા સરહદી સંઘર્ષોમાં સુધારો પણ થયો હતો. ચીન અને ભારતના સંબંધોમાં આર્થિક અને રાજકીય બંન્ને દૃષ્ટિએ સાચવીને ચાલવું પડે એમ છે. ચીન અને ભારત વચ્ચે કંઇ બધું ચકાચક છે એવું તો છે નહીં. બંન્ને દેશો વચ્ચે ‘ડંપિંગ’ની સમસ્યા મોટી છે. જ્યારે કોઈ દેશ બીજા દેશમાં બહુ જ સસ્તાદરો પર માલ મોકલે ત્યારે સ્થાનિક દેશના ઉદ્યોગોની સ્પર્ધામાં ટકવાની ક્ષમતા જ ખલાસ થઇ જાય – આ સ્થિતિને ડંપિંગ કહે છે. સામાન એટલો સસ્તો વેચો કે સ્થાનિક કંપનીઓ મુકાબલો જ ન કરી શકે અને પછી ઔદ્યોગિક માળખું ખોખલું થઇ જાય. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ‘ડંપિંગ’ બહુ મોટી સમસ્યા છે. ભારતે આ સ્થિતિને લડત આપવા માટે કાંઉન્ટરવેલિંગ ટૅરિફ જેવા શસ્ત્રો વાપર્યા છે અને વૈશ્વિક સ્તરે પણ ભારત ટૅરિફ નીતિને સખત કરવા માગે છે જેથી ઘરેલૂ ઉત્પાદન ક્ષેત્ર સલામત રહી શકે, તેનો વિકાસ થઇ શકે.
જો અમેરિકા અને ચીન વચ્ચે આ વ્યાપારી યુદ્ધ લંબાય છે તો ભારત વૈશ્વિક સ્તરે પોતાના વ્યાપારી સંબંધોને સંતુલિત કરવા પર કામ કરી શકે છે. ભારત માટે વિકલ્પો ખુલ્લા છે. એક તરફ, તે ‘રૂલ્સ ઓફ ઓરિજિન’ જેવા સિદ્ધાંતો દ્વારા અમેરિકા જેવા દેશો સાથે ભારત પોતાની વિશ્વસનીયતા અને પારદર્શિતા સાબિત કરી શકે છે, જેથી તે અન્ય એશિયાઈ દેશોથી જુદો પડે. બીજી તરફ ચીનના પ્રસ્તાવ પર તે સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. જો ચીનને ભારતની જરૂર હોય તો તેનો લાભ લઇને તે ચીનને ડમ્પિંગ ઘટાડવા અથવા બંધ કરવા દબાણ કરી શકે છે. આ ઉપરાંત ભારત પાસે ત્રીજો વિકલ્પ છે કે અમેરિકાના ટૅરિફની માથાકૂટ છોડીને વિશ્વના અન્ય દેશોમાં માર્કેટ શોધવું. આ સહેલું નથી કારણકે આ કરવું હોય તો સસ્તી અને સરળ ધિરાણની સવલત પણ જોઈશે. સરકાર ધારે તો આ દિશામાં પણ કામ કરી શકે છે. ચીન અને અન્ય એશિયાઈ દેશોની ડંપિંગની સમસ્યા સામે યુરોપિયન યુનિયનને પણ વાંધો છે. કદાચ ભારત તેમની સાથે સંબંધો બહેતર કરી શકે?
ટૅરિફ યુદ્ધ અકળાવનારું અને ગભરાવનારું છે પણ ભારત માટે આ એક એવી સ્થિતિ છે જેમાં તે યોગ્ય પગલાંથી પોતાના ફાયદામાં પાસા પલટી શકે. જોવું એ રહ્યું કે ભારત ચીન કે અમેરિકાની વાતોમાં આવી જાય છે, પોતાનો લાંબા ગાળાનો લાભ જુએ છે કે પછી ટુંકાગાળાની રાહતમાં ખુશ રહે છે. એક તરફ ટૅરિફ ઝીંકીને પૉઝ કરનાર અમેરિકા છે તો બીજી તરફ સરહદના અને ડંપિંગના પ્રશ્નો ખડા કરનારો ચીન છે? વિશ્વાસ મૂકવા કરતાં પોતાની નીતિને લાગુ કરી સલામત રાહે ચાલવાનું ભારત માટે કદાચ વધુ ફાયદાકારક હોઇ શકે.


બાય ધ વે
આપણે માટે તો સવાલ એ છે કે ચીન પર વિશ્વાસ કરી શકાય ખરો? ચીનના અને ભારતના વ્યાપારી સંબંધો ભલે જે પણ હોય પણ આપણે પણ ચીની વસ્તુઓના બહિષ્કારની ચળવળો કરી છે. અને તે પણ તાર્કીક કારણોને લીધે જ. એટલું જ નહીં ભલે અત્યારે કંઇ નથી પણ ભૂતકાળમાં સરહદ પર ચીની લશ્કરે જે પણ કર્યું છે એ પણ ભુલાય એમ નથી. ચીન એટલો માથાભારે દેશ છે કે તેમના AIટૂલ ડીપસીક પર તમે એવો સવાલ કરો કે “અરુણાચલ ઈઝ પાર્ટ ઑફ ઇન્ડિયા રાઇટ?” (અરુણાચલ ભારતનો હિસ્સો છે ને?) તો સામેથી જવાબ મળે કે ‘‘હું અત્યારે આનો જવાબ આપી શકું તેમ નથી, આપણે કોઈ બીજી વાત કરીએ’’ ચીન અને ભારત વચ્ચે ‘હિંદી-ચીની ભાઈભાઈ’ વાળો ઘાટ આવનારા 60-70 વર્ષ સુધી તો ઘડાવાનો જ નથી. ભારત અને ચીન વચ્ચે સરહદી સંઘર્ષો જરાય હળવાશથી લેવાય એમ નથી. વળી બંન્ને દેશો વ્યાપારી ક્ષેત્રે પણ સ્પર્ધકો છે. ભારતને ચીન સાથે તગડી ટ્રેડ ડેફિસિટ છે અને તે ભરવા માટે ભારત ચીની વસ્તુઓની ખરીદી ઘટાડવાની દિશામાં વિચારશે. જો એમ થશે તો તે ચીનને ગમવાનું નથી. ચીનને એશિયા અને આફ્રિકા બંન્નેમાં વિસ્તરણ કરવું છે. શ્રીલંકા અને પાકિસ્તાનમાં જે સંજોગો છે તે અમસ્તા જ હશે? બંન્ને દેશો ભારતના પાડોશી છે. આ બધું દેખાય છે તેના કરતાં ઘણું વધારે પેચીદું છે.

Most Popular

To Top