Columns

કુવૈતની દુર્ઘટના માટે ભારતની બેકારી અને કુવૈતનો ભ્રષ્ટાચાર જવાબદાર છે

કુવૈતના મંગાફ શહેરમાં છ માળની ઈમારતમાં લાગેલી આગના કારણે મોટી સંખ્યામાં ભારતીય મજૂરોનાં મોત થયાં એ ચિંતાજનક છે એટલું જ નહીં, આ ઘટના જે સંજોગોમાં બની તે પણ અનેક સવાલો ઊભા કરે છે. પ્રારંભિક અહેવાલો અનુસાર તે બિલ્ડિંગમાં ૧૯૬ લોકો રહેતાં હતાં, જેઓ એક જ કંપનીનાં કામદારો હતાં. મોટા ભાગનાં મોત ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે થયાં છે.

કુવૈત સરકારના જણાવ્યા અનુસાર પ્રથમ દૃષ્ટિએ આ અકસ્માતનું કારણ નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન છે. કુવૈતના નાયબ વડા પ્રધાન શેખ ફહદ યુસેફ અલ સબાહે જણાવ્યું હતું કે કંપની માલિકોની લાલચને કારણે આ ઘટના બની છે. આ ઘટનાએ ફરી એક વખત વિદેશમાં કામ માટે જતાં ભારતીયોની સલામતી પર સવાલો ઉઠાવ્યા છે. કુવૈતમાં માનવાધિકાર જૂથો પણ આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. કુવૈત માટે આ વધુ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે તેની બે તૃતીયાંશ વસ્તી વિદેશથી આવતાં મજૂરોની છે. અહીંની અર્થવ્યવસ્થા આ પ્રવાસી મજૂરો પર નિર્ભર છે.

આ ઘટનાનો ભોગ બનેલાં લોકોમાં ભારતીયોની બહુમતી છે. અહીં ભારતીય સમુદાય કુલ વસ્તીના ૨૧% અને કુલ કાર્યબળના ૩૦% છે. આટલી મોટી સંખ્યામાં ભારતીયોના ત્યાં જવા પાછળનું મુખ્ય કારણ ભારતની બેકારી છે. ભારતીય ચલણમાં એક કુવૈતી દિનારનું મૂલ્ય વર્તમાન વિનિમય દર મુજબ રૂ. ૨૭૨ ​કરતાં વધુ છે. નિમ્ન અને મધ્યમ વર્ગની નોકરીઓ માટે ત્યાં સરેરાશ માસિક પગાર ૧,૦૦૦ થી ૩,૦૦૦ દિનાર છે, જે ભારતીય ચલણમાં રૂ. ૭૫,૦૦૦ થી ૨,૨૫,૦૦૦ થાય છે. સારી વાત એ છે કે ભારત સરકારે આ મામલે તત્પરતા દાખવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતની તાત્કાલિક નોંધ લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ પણ ઘાયલોની સારવાર માટે તાત્કાલિક કુવૈત જવા રવાના થયા હતા. આવી તત્પરતા વિદેશમાં વસતાં ભારતીયોમાં વિશ્વાસ જાળવવામાં મદદ કરે છે કે તેમનો દેશ સંકટના સમયે હંમેશા તેમની સાથે રહેશે. ખરી હકીકત એ છે કે ભારતમાં રોજી નથી મળતી માટે લાખો મજૂરો વિદેશ જવા મજબૂર બને છે.

ભારતમાં જેમ આગની ઘટનામાં માલિકોની લાલચ અને સરકારનો ભ્રષ્ટાચાર કારણભૂત બને છે, તેવું કુવૈતમાં પણ બન્યું છે. કુવૈતમાં આગની ઘટનામાં ૪૫ ભારતીયોનાં મોત થયાં તેની પ્રાથમિક તપાસમાં હવે મોટી ખામીઓ બહાર આવી છે. સાત માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર બે ડઝન ગેસ સિલિન્ડર, કાગળ, કાર્ડબોર્ડ અને પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ વસ્તુઓ રાખવામાં આવી હતી. આનો ઉપયોગ રૂમને વિભાજીત કરવા માટે થતો હતો. અધૂરામાં પૂરું છતને તાળું મારવામાં આવ્યું હતું, જે કામદારોને બહાર નીકળતાં અટકાવતું હતું. ભારતીય દૂતાવાસના અધિકારીઓ દુર્ઘટનામાં બચી ગયેલાં લોકોને મળ્યાં હતાં. કુવૈતી તપાસકર્તાઓએ આગની ઘટનાની તપાસ શરૂ કર્યા પછી આ સ્ફોટક માહિતી પ્રકાશમાં આવી છે.

અહેવાલો અનુસાર આગનું સંભવિત કારણ ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ-સર્કિટ હોવાનું જણાય છે, જે ત્યાં રાખવામાં આવેલા બે ડઝન ગેસ સિલિન્ડરોને કારણે વધુ વકર્યું હતું. રૂમમાં પૂરતી જ્વલનશીલ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ભીડવાળા રૂમને અલગ કરવા માટે કાર્ડબોર્ડ, કાગળ અને પ્લાસ્ટિકના પાર્ટીશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બિલ્ડિંગના દરેક રૂમમાં એક ડઝનથી વધુ લોકો રહેતાં હતાં. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળના રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો.

ઉપરના માળે હાજર લોકોએ છત પર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો બંધ હોવાથી કામદારો આગમાં ફસાઈ ગયાં હતાં. રિપોર્ટ અનુસાર મકાનમાં વધુ જગ્યા બનાવવા માટે બિલ્ડિંગમાં અંદરથી ફેરફાર કરવામાં આવ્યો હતો અને આ ફેરફારો કુવૈતમાં બિલ્ડિંગ કોડનું ઉલ્લંઘન હતું. તેના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ અંદર જઈને આગ બૂઝાવવામાં મુશ્કેલી પડી હતી. કુવૈતમાં રહેણાંક મકાનમાં લાગેલી આ સૌથી ભીષણ આગ માનવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ બિલ્ડરો અને મકાન માલિકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

ગૃહ મંત્રાલય અને અગ્નિશમન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સવારે ૪ વાગ્યા પછી લાગી હતી, જ્યારે બિલ્ડિંગમાં રહેતા ૧૯૬ કામદારોમાંથી મોટા ભાગનાં કામદારો સૂઈ રહ્યાં હતાં. તમામ કામદારો પુરુષો હતા. આગને કારણે ઈમારતમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો, જેના કારણે મોટા ભાગનાં લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આ ઘટનાને કારણે બિલ્ડિંગના માલિકો અને કંપનીના માલિકો સામે પગલાં લેવા માટે માગણી થઈ છે, જેઓ ખર્ચમાં ઘટાડો કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી કામદારોને અત્યંત અસુરક્ષિત સ્થિતિમાં રહેવાની ફરજ પાડે છે. આ માટે કુવૈત સરકારમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ પણ જવાબદાર છે.

કુવૈતમાં જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે કે.જી. અબ્રાહમ નામના મલયાલી બિઝનેસમેનનું છે. કે.જી. અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક વેપારી છે, જેમની કંપની ૧૯૭૭ થી કુવૈતના તેલ ઉદ્યોગનો એક ભાગ છે. માર્યા ગયેલા કામદારો આ કંપનીમાં કામ કરતા હતા. કુવૈતનું અર્થતંત્ર મોટા ભાગે વિદેશી કામદારો પર નિર્ભર છે, જેઓ બાંધકામ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં કામ કરે છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. આંકડાઓ અનુસાર કુવૈતમાં હાલમાં લગભગ દસ લાખ ભારતીયો રહે છે. તેમાંથી મોટી સંખ્યામાં મજૂરો, એન્જિનિયરો, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, સોફ્ટવેર નિષ્ણાતો અને ટેકનિશિયન છે. તેને કુવૈતના ઈતિહાસની સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે. આ પહેલાં ૨૦૦૯માં કુવૈતમાં એક મહિલાએ બદલો લેવાના ઈરાદે લગ્ન સમારંભમાં આગ લગાવી દીધી હતી, જેમાં ૫૭ લોકોનાં મોત થયાં હતાં.

ભારતીયો માટે કુવૈત જવાનાં ઘણાં કારણો છે, જેમાં બિઝનેસ, ટુરીઝમ વગેરેનો સમાવેશ થાય છે. જો કે, સૌથી મોટું કારણ ત્યાં નોકરીઓની સરળ ઉપલબ્ધતા અને સારા પગાર પેકેજ છે. અન્ય કારણ કે જે તેને ભારતીયો માટે એક પ્રિય સ્થળ બનાવે છે તે છે કરમુક્ત આવક, મકાનો પર સબસિડી અને ઓછા વ્યાજની લોન છે. અહીંનાં મોટા ભાગનાં ભારતીયો કન્સ્ટ્રક્શન સેક્ટર, હેલ્થકેર, ઓઈલ અને ફાઈનાન્સ સેક્ટરમાં કામ કરે છે. મજૂરોની તુલનામાં જેઓ ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે તેમની સ્થિતિ થોડી સારી છે. કુવૈતમાં અકુશળ લોકોને ખૂબ સારો પગાર મળે છે. તેને દર મહિને ૧૦૦ કુવૈતી દિનાર એટલે કે ૨૭ હજાર રૂપિયા મળે છે, જ્યારે ઓછા કુશળ મજૂરોને ૪૦ હજાર રૂપિયા સુધીનો પગાર મળે છે. પગાર ઉપરાંત કંપની દ્વારા રહેવાની સગવડ મફત આપવામાં આવતી હોવાથી કામદારો લગભગ પૂરો પગાર ઘરે મોકલી શકતા હોય છે. આ કામદારો દ્વારા જે હૂંડિયામણ મળે છે તે ભારતના અર્થતંત્ર માટે ફાયદાકારક હોય છે. ભારતની આયાત અને નિકાસ વચ્ચેની ખાઈ સરભર કરવા માટે આ હૂંડિયામણ બહુ જરૂરી છે.

મધ્ય પૂર્વના ઘણા દેશોમાં ભારતીય નાગરિકોની હાલત ખરાબ છે. ખાસ કરીને મજૂર વર્ગનાં લોકો પૈસાની લાલચમાં કુવૈત અને અન્ય દેશોમાં પશુ જેવી જિંદગી જીવે છે. આ દેશોમાં, વેતન સારું છે, પરંતુ જીવનની સ્થિતિ વધુ ખરાબ છે. આવા સંજોગોમાં વિચારવા જેવો સવાલ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બનવાના દાવા છતાં દેશનાં નાગરિકો બહાર કામ કરવા કેમ જાય છે? શું આટલું મોટું અર્થતંત્ર દેશમાં જ લોકોને રોજગાર અને પૈસા આપવા સક્ષમ નથી? ત્રીજી મુદતની સરકારે આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને દેશનાં નાગરિકોને રોજગારી આપવા માટેનાં પગલાં ભરવાં જોઈએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top