વેનેઝુએલામાં થયેલી તાજેતરની ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. અમેરિકી સેનાએ રાજધાની કારાકાસમાંથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બળજબરીથી લઈ જઈ કાર્યવાહી કર્યાના અહેવાલો બાદ સમગ્ર વિશ્વનું ધ્યાન આ મુદ્દા પર કેન્દ્રિત થયું છે. આ પરિસ્થિતિને લઈને ભારત સરકારે પણ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે વેનેઝુએલામાં સર્જાયેલા તાજેતરના ઘટનાક્રમ પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે આ પ્રકારની અણધારી અને ગંભીર ઘટનાઓ પ્રદેશની શાંતિ અને સ્થિરતા માટે ચિંતાજનક છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે વેનેઝુએલાના લોકોની સલામતી, સુખાકારી અને સંપ્રભુતાનું સમર્થન કરે છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં તમામ સંકળાયેલા પક્ષોને સંયમ દાખવવા અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે સંવાદ અને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવાની અપીલ કરવામાં આવી છે. ભારતે ભાર મૂક્યો છે કે સંઘર્ષ નહીં પરંતુ વાતચીત દ્વારા જ ટકાઉ ઉકેલ શક્ય છે.
આ સાથે જ વેનેઝુએલામાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે પણ ભારત સરકારે મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે કારાકાસમાં આવેલો ભારતીય દૂતાવાસ ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે અને જરૂર પડે ત્યારે તમામ સંભવ સહાય પૂરી પાડવામાં આવશે.
ભારતીય નાગરિકોને સલાહ આપતા મંત્રાલયે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેનેઝુએલા માટેની બિન-આવશ્યક મુસાફરી ટાળવી જોઈએ. જે ભારતીયો હાલમાં વેનેઝુએલામાં હાજર છે. તેમને અત્યંત સાવચેતી રાખવા, પોતાની હિલચાલ મર્યાદિત રાખવા અને સ્થાનિક પરિસ્થિતિ અંગે સજાગ રહેવા જણાવાયું છે.
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને કોઈ પણ તાત્કાલિક મદદ માટે કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપી છે. દૂતાવાસનો ઈમેલ cons.caracas@mea.gov.in તેમજ કટોકટી સંપર્ક નંબર +58-412-9584288 (વોટ્સએપ કોલ માટે પણ ઉપલબ્ધ) જાહેર કરવામાં આવ્યો છે.
ભારતનું આ નિવેદન એ દર્શાવે છે કે દેશ વૈશ્વિક સંકટોની પરિસ્થિતિમાં શાંતિ, સંવાદ અને માનવીય સુરક્ષાને પ્રાથમિકતા આપે છે.