કયા દેશના લોકો કેટલા સુખી છે તેનું માપન કરતા યુએનના વાર્ષિક અહેવાલમાં આ વર્ષે પણ ભારત ખૂબ પાછળના ક્રમે આવ્યું છે, વિશ્વના ૧૪૯ દેશોમાં સુખાકારી માટેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી ભારતનો ક્રમ છેક ૧૩૯મો આવ્યો છે. ભારતની સ્થિતિમાં બહુ ફેર પડેલો જણાતો નથી. ગયા વર્ષે પણ ભારત ઘણુ પાછળ હતું, પોતાના મોટા ભાગના પાડોશી દેશો કરતા પાછળ હતું અને આ વખતે પણ એવી જ સ્થિતિમાં રહ્યું છે.
યુએનના સ્થાયી વિકાસ માટેના નેટવર્ક દ્વારા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ-૨૦૨૧ બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં સતત ચોથા વર્ષે ફિનલેન્ડનો ક્રમ પહેલો આવ્યો છે જ્યારે અફઘાનિસ્તાનનો ક્રમ છેલ્લો છે એટલે કે વિશ્વમાં ફિનલેન્ડની પ્રજા સૌથી સુખી છે જ્યારે અફઘાનિસ્તાનની પ્રજા સૌથી ઓછી સુખી છે. કોવિડ-૧૯ના રોગચાળાના સમયમાં પણ માનવ સુખાકારીના ક્રમની બાબતમાં થોડા ફેરફારો સિવાય બહુ ઝાઝો ફેર પડ્યો નથી. જો કે અમેરિકા આ યાદીમાં ગયા વર્ષે ૧૩મા ક્રમે હતું તે આ વર્ષે ૧૯મા ક્રમે ધકેલાઇ ગયું છે. ગયા વર્ષે ૧પ૬ દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં ભારતનો ક્રમ ૧૪૪મો આવ્યો હતો, આ વર્ષે ૧૪૯ દેશોમાં જ આ સર્વે થઇ શક્યો છે અને તેમાં ભારતનો ક્રમ ૧૩૯મો આવ્યો છે એટલે ભારતની સ્થિતિમાં બહુ ફેર પડ્યો નથી. આ વર્ષના સર્વેમાં આવરી લેવાયેલા દસ જ દેશ એવા છે કે જેઓ ભારત કરતા ઓછા સુખી છે. એક અફઘાનિસ્તાનને બાદ કરતા ભારતના તમામ પાડોશી દેશોના લોકો ભારતના લોકો કરતા વધારે સુખી છે.
આ યાદીમાં પાકિસ્તાન ૧૦પમા ક્રમે, બાંગ્લાદેશ ૧૦૧મા ક્રમે અને ચીન ૮૪મા ક્રમે છે. આ યાદી જીવનના મૂલ્યાંકન, હકારાત્મક અને નકારાત્મક લાગણીના આધારે તૈયાર કરવામાં આવે છે. લોકો રોજીંદા જીવનમાં કેટલી ચિંતા, ઉદાસી અને ગુસ્સાનો સામનો કરે છે તે બાબત આ યાદી તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. જે દસ દેશો ભારત કરતા પાછળ છે તેઓ બુરુન્ડી, યમન, તાન્ઝાનિયા, હૈતી, મલાવી, લેસોથો, બોત્સવાના, રવાન્ડા, ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન છે.
આપણે આ યાદી પરથી સમજી શકીએ છીએ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની પ્રજા પણ ભારતની પ્રજા કરતા વધુ સુખી છે. ચીનની પ્રજા તો ભારતની પ્રજા કરતા વધુ સુખી છે જ, તે વધુ સમૃદ્ધ પણ છે, પરંતુ ભારત કરતા ઓછા સમૃદ્ધ એવા બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો ભારતના લોકો કરતા કઇ રીતે વધુ સુખી હોઇ શકે? એવો પ્રશ્ન કેટલાક કરે છે, કેટલાક લોકો આ યાદીને શંકાસ્પદ કે પૂર્વાગ્રહયુક્ત ગણાવે છે. પરંતુ આ યાદી કઇ રીતે તૈયાર કરવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવામાં આવી જ છે. આ યાદી ફક્ત નાણાકીય સમૃદ્ધિના આધારે આવતા સુખના આધારે નહીં પરંતુ લોકો રોજીંદા જીવનમાં કેટલી ચિંતા, તનાવ, રોષ કે ગુસ્સાનો કે પછી ઉદાસીનો સામનો કરે છે તે બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે રોજીંદા જીવનમાં જોઇ જ શકીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષથી ભારતીયોનું જીવન ખૂબ તનાવપૂર્ણ બની ગયું છે.
જાહેર સ્થળોએ અંધાધૂંધી, બસ કે ટ્રેન પકડવાની લ્હાય, મોટા શહેરોમાં તો લોકો જાણે કૂતરાની માફક દોડતા જણાય છે. અને હવે તો ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ રોજીંદા જીવનમાં તનાવ અને ગુનાખોરી વધેલા જણાય છે. ચોરી, લૂટફાટ, બળાત્કારો, હત્યાઓના પ્રમાણમાં ખૂબ વધારો શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં થયો છે અને હવે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રકારની ગુનાખોરી આપણે ત્યાં વધી છે. ઘરેલુ હિસા તો પહેલા પણ હતી અને હજી પણ યથાવત છે, વધેલું શિક્ષણ આમાં બહુ ઓછો ફેર પાડી શક્યું છે એ આપણે ત્યાં એક કઠોર વાસ્તવિકતા છે. પાકિસ્તાનમાં ત્રાસવાદને લગતા બનાવો ભલે વધારે હોય પણ અન્ય પ્રકારની ગુનાખોરી એકંદરે ઓછી જણાય છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો ભારતીય લોકો જેટલી ચિંતા, તનાવ અને ઉદાસીનો સામનો રોજીંદા જીવનમાં નહીં કરતા હોય તેવું હોઇ શકે છે, જીવનનું મૂલ્યાંકન કરવાની લોકોની વિચારણા પણ સુખાકારી ઇન્ડેક્સ તૈયાર કરતા ધ્યાનમાં લેવાઇ છે અને જીવન પ્રત્યેની કંઇક જુદા પ્રકારની ફિલોસોફી પણ ત્યાંની પ્રજાને આપણા કરતા વધુ સુખી બનાવતી હોય તે શક્ય છે. આપણે ત્યાં વિકાસના મોટા મોટા દાવાઓ છતાં લોકો રોજીંદા જીવનમાં સુખી થઇ શક્યા નથી તે આવી કોઇ યાદી વગર પણ સમજી શકાય છે ત્યારે આપણા નેતાઓ અને સમાજના અગ્રણીઓએ વિકાસને જુદી રીતે જોઇને અને મૂલવીને પ્રજા સુખી કઇ રીતે થાય, તેના રોજીંદા જીવનના દુ:ખ કઇ રીતે દૂર થાય તે બાબતે કાર્ય કરવાની જરૂર છે.