surat : અમેરિકા દ્વારા બે મહિના અગાઉ ભારત, ઓસ્ટ્રિયા, ઇટાલી, સ્પેન અને તુર્કીની જુદી જુદી પ્રોડક્ટ પર 25 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ( import duty ) લાગુ કરાતાં ભારત સરકાર સહિતની સરકારોએ વાંધો લીધો હતો. અમેરિકાએ ડાયમંડ જ્વેલરી સહિતની હાઇવેલ્યુ પ્રોડક્ટ પર ડ્યૂટી લાગુ કરતાં જીજેઇપીસીની રજૂઆત પછી ભારત સરકારે જી-20 દેશોની સમિટમાં વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકાએ સેક્શન 301, ઇન્વેસ્ટિગેશન ઓફ ડિજિટલ સર્વિસ ટેક્સ હેઠળ ટેક્સનું ભારણ વધારતાં ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટું નુકસાન થવાનો ભય હતો. કારણ કે, દેશના કુલ જીડીપીમાં 7 ટકાની આવક આ સેક્ટરમાંથી થાય છે.
જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેન્ઝટેટિવ દ્વારા લાવવામા આવેલી દરખાસ્ત અંગે કેન્દ્રનાં નાણાં અને વાણિજ્ય મંત્રાલયમાં રજૂઆતો કરી હતી. તેના પગલે હવે અમેરિકન સરકારે આ દરખાસ્તને છ મહિના માટે સ્થગિત કરી છે. ભારત સરકારે ડિજિટલ સર્વિસ ટેક્સનું માળખું અપનાવી 2 ટકા ટેક્સ લાગુ કરતાં અમેરિકા છંછેડાયું હતું. સામા પક્ષે ભારત સરકારે 2 ટકા ટેક્સને લઇ મામલો ઉકેલવાની ખાતરી આપી હતી.
હીરા-ઝવેરાતની 17 વસ્તુ ઉપર 25 ટકા ટેક્સ લાગુ થાય તો ભારતમાં લાખો લોકો રોજગારી ગુમાવશે
જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત હીરા-ઝવેરાતની 17 પ્રોડક્ટ પર 25 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ થાય તો ભારતમાં આ સેક્ટર સાથે સંકળાયેલા લાખો લોકો પર તેનો પ્રભાવ પડી શકે છે. સૌથી વિશેષ એ છે કે, ભારતનો વેપાર ચીન અને મેક્સિકો જેવા દેશોમાં સ્થળાંતરિત થવાનો ભય રહે છે. અમેરિકાની કંપનીઓ ભારતીય કંપનીઓને ક્રેડિટ અને મેમો ફેસિલિટી બેંકિંગ સિસ્ટમના માધ્યમથી આપતી રહી છે. એ કારણોસર જ 500 જેટલી ભારતીય કંપનીઓ અમેરિકાનાં જુદાં-જુદાં રાજ્યોમાં ઓફિસ ધરાવે છે.
અમેરિકામાં જેમ્સ એન્ડ જ્વેલરીની પ્રોડક્ટમાં કુલ ઇમ્પોર્ટનો 25.6 ટકાનો હિસ્સો ભારતનો
હીરા અને ઝવેરાત ઉત્પાદનો માટે યુ.એસ. ભારતનું મુખ્ય નિકાસ બજાર છે. અહીંથી 9.3 બિલિયન ડોલર જ્વેલરીની નિકાસ યુનાઇટેડ સ્ટેટ્સના બજારમાં જાય છે. જે અમેરિકાના કુલ 36 બિલિયન યુએસ ડોલરના વેપારનો 25.6 ટકાનો હિસ્સો છે. એટલે કે, 17 પ્રોડક્ટ ભારતથી એવી અમેરિકામાં જાય છે. જે અમેરિકાના કુલ ઇમ્પોર્ટ 25.6 ટકાનો હિસ્સો છે.