Comments

જુલાઈ – ઓગસ્ટથી ભારતની ઇન્ટરનેટ વ્યવસ્થામાં સમૂળગી ક્રાન્તિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા જાહેરાત કરાઈ હતી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફાઈવ જી ટેલિફોન સેવાઓ શરૂ થઇ ચૂકી છે. મોટા ભાગના પ્રદેશ માટે આ વિધાન અસત્ય હતું અને કોઇ મહાનગર કે નગર માટે આ વિધાન અર્ધસત્ય હતું. ફાઈવ જી સેવાની રાહ જોવાઈ રહી છે. તેમાં સારા સમાચાર એ આવ્યા કે ભારતની ભારતી એન્ટરપ્રાઈઝ (એરટેલ)ની ભાગીદારીમાં યુકેમાં શરૂ થયેલી ‘વન વેબ’કંપની માટે ભારતની ઉપગ્રહ પ્રક્ષેપણ કરી આપતી સન્માનનીય ઇસરો સંસ્થાએ વનવેબના 36 (છત્રીસ) કોમ્યુનિકેશન્સ સેટેલાઈટ્સ લોન્ચ કરી આપ્યા.

થાંભલાઓ અથવા પોલ્સ પરથી મળનારી ફાઈવ-જી સેવા કરતાં આ અલગ પ્રકારની વ્યવસ્થા હશે, જેના વડે કોઇ પણ શહેર કે અંતરિયાળ પ્રદેશમાં સીધા ઉપગ્રહમાંથી જ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ બનશે. રશિયાએ યુક્રેનનું ટેલિફોન માળખું તોડી નાખ્યા બાદ યુક્રેનના લોકો આ ટેકનોલોજી વડે જગત સાથે અને અંદરોઅંદર કનેકટેડ રહી શકે છે. ઇલોન મસ્કની સ્ટારલિન્ક નામની સેટેલાઈટ સિસ્ટમ યુક્રેનના લોકોને મફતમાં આ સેવા પૂરી પાડી રહી છે. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન્સ સેવાઓનાં માળખાં છે પણ સેવાઓ અપટુડેટ નથી.

હવે વન વેબનું માળખું બંધાતું જશે તેમ તેમ માત્ર ભારતને જ નહીં, જગતનાં લોકોને આસાનીથી કાર્યક્ષમ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ બનશે. આ 36 ઉપગ્રહો તો હજી પાશેરામાં પહેલી પૂણી છે.શરૂઆત છે.ઇસરોના એલવીએમ-ત્રણ પ્રકારના રોકેટ વડે ઉપગ્રહો તરતાં મૂકાયાં તે ભારતની એક જવલંત સિદ્ધિ છે. દુનિયાની અન્ય હરીફ કંપનીઓની સરખામણીમાં આ કામ ઇસરો ખૂબ વાજબી કિંમતે કરી આપે છે. સોનામાં સુગંધ એ છે કે જે સેટલાઈટ કંપની ‘વન વેબ’છે તેમાં પણ ભારતની દેશી કંપની એરટેલની મહત્ત્વની ભાગીદારી છે.

દેશી એટલા માટે કે એરટેલની મહત્વની ભાગીદારી છે. દેશી એટલા માટે કે એરટેલ પૂર્ણપણે ભારતીય છે. લંડન ખાતે વડું મથક ધરાવતી વન વેબ અવકાશમાં કુલ 618 ઉપગ્રહો તરતાં મૂકશે અને તેમાંના મોટા ભાગના મૂકાઇ રહ્યા છે. જગતના કોઇ પણ ખૂણે આસાનીથી હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે. ફાયદો એ થશે કે ગામડાંમાં વસતાં લોકોને આધાર કાર્ડ સાથે બીજા કાર્ડસ લિન્ક કરવા માટે કે રાશન મેળવવા માટે ઇન્ટરનેટ આવવાની રાહમાં કલાકો બેસવું કે ઊભા રહેવું નહીં પડે.

વન વેબ એક જાગતિક એન્ટરપ્રાઈઝ કંપની છે. ભારતી એરટેલની માફક તેના અન્ય ભાગીદારોમાં ફ્રાન્સની યુટેલસેટ, જપાનની સોફટ બેન્ક અને યુકેની સરકાર પણ છે. આ પ્રકારની જગતમાં ફેલાયેલી કંપનીઓના ભાગીદારો પણ જગતમાં ફેલાયેલા હોય તે જરૂરી નથી, પણ હોય તો તે કંપનીને માટે સારી વાત છે. વન વેબમાં ભારતી એરટેલનો હિસ્સો સૌથી મોટો ત્રીસ ટકાનો છે. જે ભારતનાં લોકોએ ગૌરવ લેવા જેવી બાબત છે.

સુનિલ મિતલ ભારતીના કહેવા પ્રમાણે વન વેબની સેવાઓનો પ્રારંભ ભારતમાં આવતા જુલાઈ કે ઓગસ્ટ મહિનાથી થશે. પરિણામે જુલાઈ ઓગસ્ટથી ભારતના ગ્રામ્ય પ્રદેશોમાં ઇન્ટરનેટ સેવાનો અભાવ નહીં રહે. શહેરોમાં પણ ઘણી વાર ભલીવાર જોવા મળતો નથી, તેનો પણ અંત આવશે. તેનો શો ફાયદો થઇ શકે તે જુઓ. સુરતમાં 2006માં પૂર આવ્યાં હતાં તેવાં પૂર ન કરે નારાયણ અને આવે તો સૂર્યશક્તિના ચાર્જર વડે અને સેટેલાઈટ કનેકશન વડે કોઇ પણ સાથે સંપર્ક ચાલુ રહી શકે. લોકો આઉટ ઓફ રેન્જ મળતાં બંધ થશે. દૂર સમુદ્રમાં ફિશિંગ માટે ગયેલા દીકરા સાથે મા વાત કરી શકશે. અનેક ફાયદા હશે.
ગયા દશકમાં ઇન્ટરનેટ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઇ છે, પણ સપ્લાય કરતાં ડિમાન્ડ ખૂબ વધારે છે.

સ્માર્ટ ફોનમાં એવાં એપ્લિકેશનનો આપ્યા છે જેને ફાસ્ટ ઇન્ટરનેટની જરૂર પડે છે. ઉદ્યોગો, આરોગ્ય, સરકારી અને કંપનીના વ્યવહારો માટે ફાસ્ટ ઇન્ટરનેટની ડિમાન્ડ વધી જ રહી છે. વળી જયાં સુધી દુનિયાનો કોઇ પણ હિસ્સો કે ખૂણો આ સેવાથી વંચિત રહે ત્યાં સુધી તેને જાગતિક વ્યવસ્થા કહી ન શકાય. ડિજિટલ ઇકોનોમીનું સ્વરૂપ અને વિસ્તાર વધુ અને વધુ વ્યાપક બની રહ્યાં છે. ભારતના આર્થિક ઉદ્દગમ માટે પણ ફાસ્ટ ઇન્ટરનેટ એક મહત્ત્વનું વિટામિન પુરવાર થશે.આ સેવાઓના જાગતિક ખેલાડીઓમાં ઇલોન મસ્કની કંપની સ્ટારલિન્ક છે જે ઘણા દેશોમાં કાર્યરત બની છે, જેમાંનો એક દેશ યુક્રેન છે, જેનું પરંપરાગત સંદેશાવ્યવહાર અને ઇન્ટરનેટ માળખું રશિયાએ ધ્વસ્ત કરી નાખ્યું છે. મસ્ક યુક્રેનને મફતમાં સેવા આપી રહ્યા છે.

ભારતમાં આ સેવા ઝડપથી કાર્યરત બને તે માટે ભારત સરકારે નવેમ્બરથી યોગ્ય નીતિઓ ઘડવાની રહે છે. ભારત સરકાર સ્પેક્ટ્રમ ફાળવશે કે પછી તેનું લિલામ કરશે તેનો નિર્ણય હજી લેવાયો નથી. પરંતુ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને પુશ આપવા માટે આ ટેક્નોલોજી વરદાનરૂપ બનશે, કોરોનાની રસી, મતદાન-ચૂંટણી વગેરેમાં ભારતે તેનો ભરપૂર લાભ લીધો છે. ડિજિટલ પેમેન્ટની બાબતમાં ભારતે દુનિયાના વિકસિત દેશોને પાછળ રાખી દીધા છે. પરંતુ હવે સ્પેક્ટ્રમના વિતરણ કે લિલામ બાબતે વિવાદ ન સર્જાય અને ઝડપથી આગળ વધી શકાય તે માટે ભારત સરકારે પારદર્શિતા સાથે આગળ વધવું પડશે. ભારત ઈન્ટરનેટ ક્ષેત્રે ભલે આગળ હતું, પણ તેની સેવાઓ ખામીભરી પણ રહી હતી અને તેની ટીકા પણ થઈ છે.

ગયા વર્ષે ભારતમાં ઈન્ટરનેટ બંધ પડી જવાના દુનિયામાં સૌથી વધુ બનાવો બન્યા હતા. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી દેવાથી સગવડો શરૂ થઈ જતી નથી અને સમસ્યાનો ઉકેલ આવી જતો નથી, બલ્કે વધુ કામ ન કરો તો વધુ સમસ્યાઓ જન્મ લે છે. ભારત સરકારે ટ્રાઈ જેવી સંસ્થાને વધુ સચેત, વધુ પ્રોએક્ટિવ બનાવવી પડશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top