ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના લશ્કરી મુકાબલાથી સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વ પર કેન્દ્રિત છે. આ બે શક્તિશાળી દેશો વચ્ચે વધતો તણાવ વૈશ્વિક બજારો અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી શકે છે, જેની સીધી અસર ભારત પર પણ પડશે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને શેરબજારમાં જોવા મળેલો ઘટાડો ચિંતાજનક સંકેતો આપી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધુ વધશે, તો તેની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવવાથી સમગ્ર સપ્લાય ચેઇન પ્રભાવિત થશે, જેના કારણે આયાત-નિકાસ મોંઘી થશે અને ઘણી રોજિંદી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત, મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ફ્લાઇટ ભાડા પણ વધી શકે છે. વાસ્તવમાં, પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, ભારતીય એરલાઇન્સ ખાડી દેશોમાં મુસાફરી કરવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. યુદ્ધ દરમિયાન, આ એરલાઇન્સે બીજો લાંબો રસ્તો શોધવો પડશે, જેના કારણે ઇંધણ ખર્ચ અને સમય બંને વધશે અને અંતે ભાડામાં વધારો થશે.
નાણાકીય વર્ષ 2024-25 માં, ભારતે ઇઝરાયલને $2.1 બિલિયનનો માલ નિકાસ કર્યો છે, જ્યારે $1.6 બિલિયનનો માલ આયાત કરવામાં આવ્યો છે. ભારત મુખ્યત્વે ઇઝરાયલથી સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત વસ્તુઓની આયાત કરે છે. આ દેશ ભારતનો 32મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત ઇઝરાયલથી રડાર, સર્વેલન્સ, કોમ્બેટ ડ્રોન, મિસાઇલ સહિત લશ્કરી હાર્ડવેરની આયાત કરે છે. આ ઉપરાંત, મોતી, કિંમતી પથ્થરો, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, ખાતરો, રાસાયણિક ઉત્પાદનો પણ આયાત કરવામાં આવે છે.
ભારત ઈરાનથી શું આયાત કરે છે? નાણાકીય વર્ષ 2024-25 માં, ભારતે ઈરાનને $1.2 બિલિયનનો માલ નિકાસ કર્યો છે અને $441.9 મિલિયનનો માલ આયાત કર્યો છે. ભારત ઈરાનથી ક્રૂડ ઓઇલ , ડ્રાયફ્રૂટ્સ, રસાયણો, કાચના વાસણો આયાત કરે છે. આ ઉપરાંત, ભારતમાંથી બાસમતી ચોખા, ચા, કોફી અને ખાંડની નિકાસ કરવામાં આવે છે. બીજી તરફ એક ખતરો અમેરિકા તરફથી પણ છે. અમેરિકાનું કહેવું છે કે તાજેતરમાં ઈરાન ઉપર ઇઝરાયલ દ્વારા જે હુમલા કરવામાં આવ્યા છે, તેમાં પોતાની કોઈ ભૂમિકા નથી. આમ છતાં ઈરાન માને છે કે આ તાજેતરના હુમલામાં અમેરિકાનાં સશસ્ત્રબળોએ ભૂમિકા ભજવી છે અને ઇઝરાયલને મદદ તો કરી જ છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકાનાં અનેક સૈન્યમથકો આવેલાં છે, જેની ઉપર ઈરાન હુમલો કરી શકે છે. તે ઇરાકમાં સ્પેશિયલ ફોર્સિઝ, મધ્યપૂર્વીય એશિયાઈ દેશોનાં સૈન્યમથકો તથા આ ક્ષેત્રમાં કાર્યરત અમેરિકાનાં રાજકીય મિશનો ઉપર હુમલો કરી શકે છે. હમાસ અને હિઝબુલ્લાહ જેવાં ઈરાનનાં પ્રૉક્સી જૂથોની શક્તિ ખૂબ જ ઘટી ગઈ છે, પરંતુ ઇરાકમાં સક્રિય એવાં મિલિશિયા જૂથો હજૂ પણ હથિયારબંધ છે અને એકજૂટ છે. અમેરિકાને આશંકા છે કે તેના સૈનિકો કે સૈન્યમથકો ઉપર હુમલા થઈ શકે છે, એટલે તેણે ઇરાકમાંથી પોતાના કેટલાક સૈનિકોને પરત બોલાવી લીધા છે.