પોતાની વર્ષોની અણથક મહેનતથી માત્ર દેશમાં જ નહીં, પણ વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર કર્મઠ અને વિશ્વપ્રસિધ્ધ નેતાઓમાં જેમનું નામ આજે પ્રથમ આવે છે તેવા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વની 67 ટકા જનસંખ્યાવાળા તથા વિશ્વમાં થતા કુલ ઉત્પાદનના 85 ટકા ઉત્પાદનવાળા કુલ 20 દેશોવાળા પ્રભાવી સંગઠન જી-20નું દેશને તાજેતરમાં અધ્યક્ષપદ પ્રાપ્ત થયેલ છે જે દેશ માટે ગૌરવ સમાન છે. આપણા દેશને જી-20ની અધ્યક્ષતા વિશ્વના આજના પડકારજનક સમયમાં મળેલ છે તેવા સમયે આપણો દેશ પ્રભાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉપયોગ કરીને પોતાનું આંતરરાષ્ટ્રીય કદ વધારી શકશે.
સતત એક વર્ષ સુધી ચાલનારાં આ આયોજનો કોઇ સામાન્ય આયોજનો નહીં હોય. આ અંગે આપણા દેશે આ આયોજનની થીમ, લોગો અને વેબ સાઇટના માધ્યમથી તેના સંકેતો પણ આપી દીધા છે. આ આયોજન અંતર્ગત વર્ષ દરમ્યાન વિશ્વના અગ્રગણ્યોની 100 જેટલી બેઠકો યોજાશે અને ત્યાર બાદ શિખર સંમેલન યોજાશે જેનાથી આપોઆપ જ દેશની ભવ્યતા વિશ્વની નજરમાં આવશે. વિશ્વના આજના રશિયા-યુક્રેન યુધ્ધ, ચીન અને તાલિબાન વચ્ચે યુધ્ધના ભણકારા, વિશ્વ મંદી તથા વિશ્વના ઊર્જા સંસાધનોની આપૂર્તિ હાલકડોલક છે તેવા સમયે આપણા દેશે સંભાળેલ જી-20 દેશનું સંચાલન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશની પ્રભાવી કાર્યશૈલીને વિશ્વમાં વ્યાપકતા આપવા સમાન બની રહેવાનું છે.
આપણા દેશને જી-20નું પ્રભાવશાળી પ્રમુખપદ મળતાં જ મોઢેરાના સૂર્યમંદિર સહિત દેશના 100થી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજના સ્મારકો પર જી-20ના લોગોથી લાઇટીંગ કરવામાં આવેલ હતી. દૈનિકોમાં પણ જી-20ની જાહેરાતમાં વન અર્થ વન ફેમીલી અને વન ભવિષ્યની અને ભારતીય સંસ્કૃતિના વસુધૈવ કુટુમ્બકમના વિશ્વને ઉપકારક પ્રભાવી વિચારના પણ ઉલ્લેખ કરેલ હતો. જે અભિનંદનને પાત્ર છે. આવાં નોંધપાત્ર કાર્યોથી દેશ વિશ્વગુરુ બનવા માટે અગ્રેસર બની શકશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શા માટે ભાજપ સફળ ને વિપક્ષ નિષ્ફળ રહ્યો?
ગુજરાતની તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ એકસો છપ્પન બેઠકો મેળવી વિક્રમજનક જીત હાંસલ કરી છે. ગુજરાતનાં મતદારોએ સુરક્ષા હિંદુત્વ અને વિકાસના મુદ્દાને મહત્ત્વ આપ્યું છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા રાષ્ટ્રીય નેતાના સબળ નેતૃત્વને મતદારો ગુમાવવા નહોતા ઈચ્છતાં. સામે પક્ષે કોંગ્રેસ પાસે સક્ષમ નેતૃત્વનો અભાવ હતો. કોંગ્રેસની આગળની હરોળના નેતાઓમાં ગુજરાતની ચૂંટણી પ્રત્યે નિરુત્સાહ જોવા મળ્યો. વળી તેઓ મોંઘવારી અને બેરોજગારી જેવા મહત્ત્વના પ્રજાને ર્સ્પશતા મુદ્દાઓને અસરકારક રીતે મતદારો સમક્ષ ઉઠાવવામાં સરિયામ નિષ્ફળ રહ્યા.
આ ઉપરાંત કોંગ્રેસ મતદારો સમક્ષ નક્કર વિઝન રજૂ કરવામાં પણ નિષ્ફળ રહી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત સંગઠન ઊભું ન કરી શકી. ગુજરાતના મહેનતકશ, પ્રામાણિક અને સ્વાભિમાન મતદારો સમક્ષ આમ આદમી પાર્ટીની રેવડી લાલચ નાકામયાબ રહી. ગુજરાતમાં આમઆદમી પાર્ટીના પ્રવેશને કારણે કોંગ્રેસના મતોનું વિભાજન થયું. આ ઉપરાંત કોંગ્રેસને પક્ષમાં જૂથવાદ અને આંતરિક ખેંચતાણ પણ નડી ગઈ. ટૂંકમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી બંને પ્રજાના અસંતોષને મતોમાં પરિવર્તન કરવામાં નિષ્ફળ રહી.
સુરત – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.