Comments

ભારતનો ઉભરતો ડ્રોન ઉદ્યોગ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની અંદર આતંકવાદી નેટવર્કને નિશાન બનાવવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’માં સંરક્ષણ ડ્રોનની ઉપયોગિતાએ ભારતના ડ્રોન ઉદ્યોગને દેશના સંરક્ષણ નકશા પર લાવી દીધો છે. ૧૯૯૦માં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા ‘નિશાંત’ માનવરહિત હવાઈ વાહનો (UAV) બનાવવાના પ્રયાસ સાથે સ્વદેશી લશ્કરી ડ્રોન બનાવવાનું ભારતનું મિશન શરૂ થયું. એક બાજુ પોતાના ડ્રોન બનાવવાનું ચાલતું હતું તો બીજી બાજુ ભારતીય સંરક્ષણ સેવાઓ તેમની યુદ્ધ વ્યૂહરચના માટે ડ્રોન આયાત કરી રહી હતી. વર્ષોથી ભારતે ઇઝરાયલ પાસેથી હેરોન, સર્ચર અને હારોપ આયાત કર્યા હતા.

જે શસ્ત્રભંડારમાં સામેલ હતાં અને આને વ્યૂહાત્મક સંરક્ષણ મથકો પર તૈનાત કરવામાં આવ્યાં હતાં. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના ડેટા અનુસાર, ૧૯૮૫થી ૨૦૧૪ વચ્ચે વિશ્વની UAV આયાતમાં ભારતનો હિસ્સો સૌથી મોટો (૨૨.૫%) હતો, ત્યાર બાદ યુકે અને ફ્રાન્સનો ક્રમ આવે છે. તેમાંથી લગભગ બધા જ ઇઝરાયલી બનાવટનાં હતાં. જૂન ૨૦૨૧માં, ૨૦૦ મિલિયન ડોલરના કરાર હેઠળ ભારતે ચીનની સરહદે આવેલા લદ્દાખ ક્ષેત્રમાં દેખરેખ માટે ચાર ઇઝરાયલી બનાવટના હેરોન ડ્રોન લીઝ પર લીધા હતા, જેમાં ઓટોમેટિક ટેક્સી-ટેક ઓફ અને લેન્ડિંગ (ATOL) સિસ્ટમ્સ, અલ્ટ્રા-લોંગ-રેન્જ સર્વેલન્સ કેમેરા અને અન્ય અત્યાધુનિક ગેજેટ્સ હતાં. DRDO અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) લેબોરેટરી જેવી સંસ્થાઓ અભ્યાસ, ઘટક, રુસ્તમ-1, TAPAS, ઇમ્પીરીયલ ઇગલ, કાપોથકા, લક્ષ્ય, નિશાંત, ગોલ્ડન હોક, પુષ્પક અને સ્લીબર્ડ જેવાં સ્વદેશી ડ્રોન પ્રોજેક્ટ્સ વિકસાવી રહી હતી.

આમાંથી કેટલાકનું વ્યાપારી ઉત્પાદન શરૂ થયું. બે મુખ્ય PPP પ્રોજેક્ટ્સ હતા. એક નેત્રા- જે મુંબઈ સ્થિત IdeaForge અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (R&DE) દ્વારા વિકસાવવામાં આવ્યા હતા અને બીજો HAL CATS વોરિયર ડ્રોન પ્રોગ્રામ ન્યૂસ્પેસ R&D અને HAL દ્વારા બનાવવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૨૧માં, DRDOએ એક એન્ટી-ડ્રોન સિસ્ટમ વિકસાવી જે વળતો હુમલો કરવા સક્ષમ છે, જેમાં ડિટેક્શન, સોફ્ટ કિલ (હુમલાખોર ડ્રોનની કોમ્યુનિકેશન લિંક્સને જામ કરવા માટે) અને હાર્ડ કિલ (હુમલાખોર ડ્રોનને નષ્ટ કરવા માટે લેસર-આધારિત હાર્ડ કિલ)નો સમાવેશ થાય છે. આ સ્વદેશી DRDO કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજી BEL અને અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

DRDOએ એક ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર (AFTD) પણ વિકસાવ્યું છે, જે એક હાઈ-સ્પીડ UAV છે જે જમીન પર આધારિત રડાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અથવા પાઈલટ પર આધાર રાખ્યા વિના સ્વાયત્ત રીતે ઉતરાણ કરી શકે છે. તેણે જુલાઈ ૨૦૨૨માં તેની પ્રથમ ઉડાન ભરી હતી. IAF ઘટક જેવા મોટા UCAV પણ વિકસાવી રહ્યું છે. ઓક્ટોબર ૨૦૨૪માં, ભારત અને અમેરિકાએ એક કરાર દ્વારા જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત 31 MQ-9B રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS)ની ખરીદી માટે $૩.૫ બિલિયનનો સોદો કર્યો હતો.

ભારત પાસે આલ્ફા જેવાં ઘણાં ફ્રન્ટલાઈન ડિફેન્સ ડ્રોન છે. તાજેતરનાં વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ HAL, BEL અને ભારત ડાયનેમિક્સ ઉપરાંત લશ્કરી ડ્રોન-નિર્માણમાં ખાનગી કંપનીઓ પણ સામેલ થઈ છે. ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ, દેશની ડ્રોન બજારની આવક નાણાંકીય વર્ષ ૨૦૨૪માં $૫૦૦ મિલિયનથી વધીને વર્ષ ૨૦૩૦ સુધીમાં $૧૧ બિલિયન થઈ જશે. આ $૧૧ બિલિયનમાં ડ્રોન અને તેનાં ઘટકોનું વેચાણ, સેવા અને લીઝિંગ ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે.

સરકારી પ્રોત્સાહન, ટેકનોલોજી અને વધતી માંગને કારણે આગામી પાંચ વર્ષમાં ભારતીય ડ્રોન બજાર નોંધપાત્ર ગતિએ વધવાની ધારણા છે. કૃષિ, સંરક્ષણ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડ્રોનનો વધતો ઉપયોગ પણ બજારના વિકાસને વેગ આપવા માટે કારણભૂત છે. ટેકનોલોજીમાં પ્રગતિ, ખાસ કરીને AI અને મશીન લર્નિંગ (ML), ડ્રોન કામગીરીને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવી રહી છે. ગ્રાન્ડ વ્યૂ રિસર્ચ રિપોર્ટ અનુસાર આવકની દૃષ્ટિએ, ૨૦૨૪માં ભારત વૈશ્વિક લશ્કરી ડ્રોન બજારનો ૩.૮% હિસ્સો ધરાવે છે. આવનાર સમયમાં અદ્યતન ડ્રોન ગુપ્ત માહિતી એકત્ર કરવા, જાસૂસી અને લડાઇમાં વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top