વડોદરા : કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની બે દિવસીય મુલાકતે છે ત્યારે મંગળવારે એમ.એસ. યુનિવર્સિટીની મુલાકાત લઈ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે યુનિવર્સીટી ખાતે 15 જેટલા સ્ટાર્ટ અપ પ્રોજેકટને ઝીણવટભરી રીતે નિહાળ્યા હતા. ત્યાર બાદ વિવિધ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેકશન કરીને તેમને સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહીત કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર,ઉચ્ચ શિક્ષણ કમિશનર એમ.નાગરાજન, ટેકનિકલ શિક્ષણ બોર્ડના નિયામક જી.ટી. પંડ્યા ઉપસ્થિત રહયા હતા.
કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે વડોદરાની એમ.એસ.યુનિવર્સીટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ ઓડિટોરિયમ ખાતે 15 જેટલા વિવિધ સ્ટાર્ટ આપ સ્ટોલની મુલાકાત લઈને વિધાર્થીઓ પાસેથી તેમણે કરેલા સ્ટાર્ટ અપ પ્રોજેકટની માહિતી મેળવી હતી. ત્યાર બાદ વિધાર્થીઓના સંવાદ સાથેના કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુવાનોએ નવા સ્ટાર્ટ અપ્સનાં પીએમ મોદીના નિર્ધાર પર આગળ વધવારવાનું છે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આજે દિલ્હીથી જે પૈસો નિકળે છે તે સીધો જનતાનાં બેંક એકાઉન્ટમાં પહોંચે છે.
65 વર્ષથી આમાં જે લીકેજ હતું તે ટેકનોલોજીના મદદથી દુર થયું છે.ટેકનોલોજીનાં સરકારમાં ઉપયોગથી જનતાને વધુ લાભ કેવી રીતે થાય તેનાં પર અમારું ધ્યાન છે.ખુબ ઝડપથી આગળ વધી રહેલી ડિજિટલ ઇકોનોમીમાં આપણે ફાળો આપવાનો છે. વિશ્વ ભારતનેને ખુબ સન્માનથી જોઈ રહી છે. યુવાઓએ 80 હજાર કરોડ રૂ.નાં સ્ટાર્ટ અપ દ્વારા દેશની ઇકોનોમીમાં સિંહફાળો આપ્યો છે. આગામી બે વર્ષ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનો દબદબો રહેશે. આપણું 5જી ટેકનોલોજી અન્ય દેશોની તુલનામાં ઉમદા છે.ભારતે ટેકનોલોજીનાં ફિલ્ડમાં આગામી ત્રણ વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરની ડિજિટલ ઇકોનોમીનો લક્ષ્યાંક રાખ્યો છે તેમજ આવનારા 3 વર્ષમાં 10 કરોડ યુવાનોને ડિજિટલ ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવશે.દરેક માટે ઇન્ટરનેટ ઓપન હોવું જોઇએ અને તે સુરક્ષિત હોવું જોઈએ.