National

માલદીવ-ચીન સામે ભારતનું મોટું પગલું, લક્ષદ્વીપમાં નવું નેવલ બેઝ થશે તૈયાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી (Agathi) અને મિનિકોય ટાપુઓ (Minicoy Island) પર નૌકાદળનું બેઝ બનાવવાનો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત ‘INS જટાયુ નેવલ બેઝ’ (INS Jatayu Naval Base) મિનિકોય ખાતે બનાવવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન (Inauguration) રક્ષા મંત્રી રાજનાથ સિંહ 4 અથવા 5 માર્ચે કરી શકે છે.

મિનિકોયમાં બની રહેલા INS જટાયુ નેવલ બેઝથી માલદીવનું અંતર માત્ર 524 કિલોમીટર છે. તેમજ ભારત અગાતી દ્વીપ પર એરસ્ટ્રીપને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. જેથી તેનો ઉપયોગ ફાઈટર જેટ અને હેવી એરક્રાફ્ટ ચલાવવા માટે થઈ શકે. તેમજ માલદીવ અને ચીનની ગતિવિધિઓ પર સીધી નજર રાખી શકાશે.

આ નેવલ બેઝનું ઉદ્ઘાટન કરતી વખતે રક્ષા મંત્રી INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંતની સવારી પણ કરી શકે છે. વાસ્તવમાં લક્ષદ્વીપ અને મિનિકોય આઇલેન્ડ નવ ડિગ્રી ચેનલ પર છે. જ્યાંથી દર વર્ષે કરોડો ડોલરનો બિઝનેસ થાય છે. તેમજ તે ઉત્તર એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેનો માર્ગ છે.

વિક્રમાદિત્ય-વિક્રાંત સાથે 15 યુદ્ધ જહાજ આવશે
જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ INS વિક્રમાદિત્ય અથવા વિક્રાંત પર બેસી મિનિકોય દ્વીપ જવા રવાના થશે ત્યારે 15થી વધુ યુદ્ધ જહાજોમાંથી સાત તેમની સાથે ત્યાં ઉપસ્થિત હશે. જેનો અર્થ એ છે કે સમગ્ર હુમલો કરનાર નૌકાદળ એકસાથે જવા મળશે. જેનાથી સમગ્ર વિશ્વને ભારતની નૌકાદળ શક્તિનો ખ્યાલ આવશે. તેમજ માલદીવ અને ચીન જેવા દેશોને મજબૂત સંદેશ મોકલવામાં આવશે.

મિનીકોય ખાતે નવી એરસ્ટ્રીપ, અગતી ખાતે અપગ્રેડેશન
આ સાથે જ ભારત સરકારે મિનિકોય ખાતે એરસ્ટ્રીપ બનાવવાનો નિર્ણય પણ લીધો છે. તેમજ અગતી ટાપુની એરસ્ટ્રીપને અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેથી ભારતીય દળો હિંદ અને અરબી મહાસાગરમાં શાંતિ સ્થાપી શકે. આ સિવાય નૌકાદળ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા જાળવી શકશે.

દરિયાઈ સરહદ સુરક્ષિત રહેશે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે
ભારત સરકારે હાલમાં જ આંદામાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં એક નવી સુવિધા બનાવી છે. સેના દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂર્વમાં આંદામાન અને પશ્ચિમમાં લક્ષદ્વીપ પર મજબૂત તૈનાતીને કારણે ભારતની દરિયાઈ સરહદ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત બંને ટાપુ જૂથો પર પ્રવાસન પણ વધશે.

Most Popular

To Top