નવી દિલ્હી : પ્રસિદ્ધ મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપ્ટન આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાનારા ટી-20 વર્લ્ડકપ (T-20 WorldCup) પહેલા ટૂંકા કોન્ટ્રાક્ટ (Contract) માટે ભારતીય ટીમ (Indian Team) સાથે ફરીથી જોડાવા બાબતે ઉત્સાહિત છે. 2011ના વર્લ્ડકપની ચેમ્પિયન ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં (Staff) સામેલ રહેલા અપ્ટન વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં ત્રીજી વન ડે પહેલા ટીમ સાથે જોડાઇ ગયા છે. તેઓ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપના અંત સુધી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા રહેશે.
અપ્ટને ટ્વિટ કર્યું હતું કે ભારતીય ટીમમાં વાપસી તેમજ લાંબા સમયથી મારા સાથી અને મારા મિત્ર ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે કામ કરવા માટે હું ઉત્સાહિત છું અને મારી જાતને સન્માનિત થયેલો અનુભવી રહ્યો છું. રાજસ્થાન રોયલ્સનો આભાર જેની સાથે અમે બંને એકસાથે રહ્યાં હતા. અપ્ટન પહેલીવાર માજી મુખ્ય કોચ ગેરી કર્સ્ટને જ્યારે 2008માં ભારતીય ટીમની જવાબદારી સંભાળી ત્યારે તેમની સાથે ભારતીય ટીમમાં જોડાયા હતા. આ બંને 2011 સુધી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા રહ્યા હતા. તે પછી અપ્ટન વિવિધ આઇપીએલ ટીમો સાથે જોડાયેલા રહ્યા અને રાજસ્થાન રોયલ્સમાં દ્રવિડની સાથે કામ કર્યું હતું.
અપ્ટન વિરાટ કોહલી માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકશે
ભારતીય ટીમ સાથે 2008થી 2011ના ગાળાના પહેલા કાર્યકાળ દરમિયાન અપ્ટને જે કેટલાક ખેલાડીઓ સાથે કામ કર્યું છે તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે અપ્ટન ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી સાથે કેટલાક સેશન કરી શકે છે. ભારતના એક માજી ખેલાડીએ કહ્યું હતું કે અપ્ટન ટીમ સાથે ફરી જોડાયો તે સારી વાત છે, તે કોહલી માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.