નવી દિલ્હી: કેનેડામાં (Canada) ભારત (India) વિરોધી ગતિવિધિઓ વધી રહી હોય ભારત સરકારે (IndianGovernment) કેનેડામાં વસતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ (Student) માટે એક એડ્વાઈઝરી (Advisery) જાહેર કરી છે. ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીયોને ચેતવણી આપી છે કે, તેઓ કેનેડામાં સાવધાન રહે. તેઓ પર હુમલા થઈ શકે છે. તેઓને જાનનું જોખમ રહેલું છે. કેનેડામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થતા ભારત સરકારે ભારતીયોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. ભારત સરકારની એડ્વાઈઝરીના પગલે કેનેડામાં વસતા ભારતીયો અને ભારતમાં રહેતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદ ખાલિસ્તાનીઓ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં કેનેડા સરકારે ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જેના લીધે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી છે. કેનેડાના PM ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. ત્યાર બાદ કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા હતા. ભારતે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ભારતે કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદથી ધ્યાન હટાવવા કેનેડા સરકાર આવું કરે છે. ભારતે પણ કેનેડાના હાઇકમિશનરને દેશમાંથી કાઢી મૂક્યા છે. આ ગતિવિધિઓના પગલે બંને દેશોના સંબંધો બગડ્યા છે અને કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વાતાવરણ ઉભું થયું છે.
સ્ટુડન્ટ્સના અભ્યાસ પર અસર પડી શકે
લાખોની સંખ્યામાં ભારતીય નાગરિકો અને સ્ટુડન્ટ્સ કેનેડામાં રહે છે. ભારતીયો માટે સૌથી મનપસંદ દેશ કેનેડા છે. અહીંથી દર વર્ષે લાખોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ કેનેડા ભણવા માટે જાય છે. એક રીતે ભારતીયો માટે કેનેડા એજ્યુકેશન હબ છે. બંને દેશોના બગડેલા સંબંધની માઠી અસર સ્ટુડન્ટ્સ પર પડી શકે છે.