World

અમેરિકામાં ભારતીયો સૌથી પૈસાદાર છે

અમેરિકામાં ભારતીયોની સરેરાશ પારિવારિક આવક 1,23,700 ડોલર છે, 79 ટકા કોલેજ ગ્રેજ્યુએટ છે. આમ તેમણે પૈસા અને કોલેજ શિક્ષણની બાબતમાં અમેરિકન વસતીને પાછળ મૂકી દીધા છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયુ હતું જેણે તાજા વસ્તી ગણતરીના આંકડાઓને ટાંકયા હતા.

અમેરિકામાં એશિયન તરીકે ઓળખાતા લોકોની સંખ્યા છેલ્લા 3 દાયકામાં લગભગ ત્રણ ગણી થઈ છે. દેશના ચાર સૌથી મોટી જાતિ અને વંશના લોકો પૈકી એશિયન સૌથી ઝડપથી વિકાસ કરતા લોકો છે, એમ ન્યૂયોર્ક ટાઈમ્સે વસતી આંકડાના વિશ્લેષણમાં જણાવ્યું હતું.
અત્યારે 40 લાખ જેટલા ભારતીયો અમેરિકામાં રહી રહ્યા છે જેમાં 16 લાખ વિઝાધારકો, 14 લાખ પ્રાકૃતિક રીતે નિવાસી છે અને લાખો અમેરિકામાં જન્મેલા નિવાસી છે.

ભારતીય પરિવારોની સરેરાશ આવક 1,23,700 ડૉલર છે જે દેશની સરેરાશ આવક 63,922 ડૉલર કરતા બમણી જેટલી છે. 79 ટકા ભારતીયો કોલેજ ગ્રેજ્યુએટ છે જ્યારે દેશભરમાં ગ્રેજ્યુએટની ટકાવારી 34 ટકા છે, એમ અહેવાલમાં જણાવાયુ હતું.
અસલમાં અમેરિકામાં અન્ય એશિયન જૂથો કરતા ભારતીયોની સરેરાશ પારિવારીક આવક વધુ છે. તાઈવાન અને ફિલીપાઈન્સના પરિવારોની સરેરાશ આવક ક્રમશ: 97,129 અને 95,000 છે, તેઓ બીજા અને ત્રીજા ક્રમ પર છે.

માત્ર 14 ટકા ભારતીયોની સરેરાશ પારિવારીક આવક 40,000 ડોલર કરતા ઓછી છે જ્યારે દેશભરમાં આવા પરિવારો 33 ટકા છે.
‘ભારતીયો ઉચ્ચ પગાર ધરાવતા ક્ષેત્રમાં મહત્વનું પ્રભુત્વ ધરાવે છે જેમાં કમ્પ્યુટર સાયન્સ, નાણાંકીય પ્રબંધન અને મેડિસીન સામેલ છે. અમેરિકામાં 9 ટકા તબીબો ભારતીય વંશના છે’, એમ અહેવાલમાં કહેવાયું હતું.અમેરિકી વસ્તીમાં વિકસી રહેલા જૂથ તરીકે એશિયન અમેરિકનો ચૂંટણી સંબધિત રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

Most Popular

To Top