નવી દિલ્હી: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે 3 ટ્રેનો (Train) સામસામે અથડાઈ હતી. અકસ્માત (Accident) બાદ આ રૂટ પરની ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તો ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે આવા કપરા સમયે ઓડિશા જનારી પ્લેનની ટિકિટોના ભાવ આસમાને પહોંચી ગયા છે. જાણકારી મળી આવી હતી કે એરલાઈન્સ કંપનીઓએ ઓડિશા જનારી તમામ ફ્લાઈટની ટિકિટના દરોમાં સામાન્ય વધારો કર્યો હતો. જો કે આ સામે સરકારે માથું ઉચ્કયું હતું અને નિર્દેશ આપ્યો છે કે એરલાઈન્સ કંપનીઓ ટિકિટની કિંમતમાં વધારો ન કરે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પણ શનિવારે તમામ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ભુવનેશ્વર આવનાર તેમજ જનાર પ્લેનના ટિકિટના ભાવો ન વધે તેના પર નજર રાખવામાં આવે અને જો આવું થાય તો તેનાં પર રોક લગાવવામાં આવે. ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે કોઈક કારણસર જો કોઈ યાત્રિ ટિકિટ કેન્સલ કરાવે છે તો તેવા સંજોગોમાં યાત્રિ પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહિં.
ભારતીય રેલ્વે તરફથી પણ નિવેદન સામે આવ્યું
ઓડિશાના બાલાસોરમાં ઘટેલી આ ઘટના પછી શનિવારે ભારતીય રેલ્વે તરફથી પણ નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ફૂલ સ્પીડમાં હતી જેનાં કારણે તેને રોકવી અસંભવ હતી. રેલ્વે અનુસાર કોરોમંડલ એક્સપ્રેસમાં 1257 મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી જ્યારે 1039 મુસાફરો રિઝર્વેશન સાથે યશવંતપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા.
રેલ્વેમંત્રી અશ્વિનિ વૈષ્ણવે કહ્યું આ રાજનિતિ કરવાનો સમય નથી
આ ભયાનક ઘટના પછી લોકો રેલ્વેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ પાસે રાજીનામાની માગણી કરી રહ્યાં છે ત્યારે આ વચ્ચે વૈષ્ણવે કહ્યું કે આ રાજનિતિ કરવાનો સમય નથી. એકબીજાને કોસવાનો કે આરોપો લગાવવાનો સમય નથી. રાજીનામા અંગે તેમણે કહ્યું કે હું અહીં જ છું, હું કશે નથી જઈ રહ્યો. હાલ અમારું ફોક્સ રેસ્કયું તરફ છે. અમારાથી બનતી તમામ મદદ અને કોશિશ અમે કરી રહ્યાં છે.