National

ઊંઘનાં કારણે થતા અકસ્માતો પર આવશે અંકુશ! ભારતીય સેનાએ તૈયાર કર્યું ખાસ ડિવાઈસ

નવી દિલ્હી: ભારતીય સેનાએ (Indian Army) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત એક ડિવાઈસ (Device) બનાવ્યું છે જે ઊંઘના કારણે થતાં અકસ્માતો (Accident) પર અંકુશ લાવવામાં મદદ કરશે. ભારતીય સેનાને આ ડિવાઈસ બનાવવા બદલ પેટન્ટ પ્રમાણપત્ર (Patent Certificate) પણ મળ્યું છે. આ AI આધારિત ડિવાઈસ રોડ અકસ્માતો પહેલા એલાર્મ વગાડીને ડ્રાઇવરને એલર્ટ કરશે.

ભારતીય સેનાના અધિકારી કર્નલ કુલદીપ યાદવે આ ડિવાઈસ તૈયાર કર્યું છે અને તેની પેટન્ટ માટે વર્ષ 2021માં જ અરજી કરી હતી જે હવે પ્રમાણિત થઈ ગઈ છે. ભારતીય સેનાએ કહ્યું કે તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ માટે પેટન્ટ મળી છે. સેનાએ એક ટ્વિટમાં કહ્યું કે આ અકસ્માત નિવારણ ડિવાઈસને આર્મીના સંશોધન અને વિકાસ (R&D) ઘટક દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.

આ ડિવાઈસને અકસ્માત નિવારણ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ડ્રાઇવરની હિલચાલ પર નજર રાખશે અને જો તે ગાઢ ઊંઘમાં હશે તો મોટેથી બઝર સંભળાશે. જે ઊંઘના કારણે થતા અકસ્માતોને રોકવામાં મદદ કરશે. આ ડિવાઈસ કોઈપણ વાહનમાં સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. વાસ્તવમાં, વાહનના ડેશબોર્ડ પર લગાવેલ સેન્સર-સજ્જ ડિવાઈસ ડ્રાઇવરની આંખો પર નજર રાખે છે. જો આ સમયે ડ્રાઈવ કરનારને ઊંઘની ઝપકી આવે છે ત્યારે આ ડિવાઈસ ચેતવણી આપે છે.

ભારતીય સેનાના એક અધિકારીએ મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે આ ડિવાઈસનું પરીક્ષણ પર્વતો, રણ અને હાઈવે પર અલગ-અલગ સ્થિતિમાં કરવામાં આવ્યું છે અને તે સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે. હવે ટેસ્ટિંગ બાદ ભારતીય સેનાના તમામ વાહનોમાં આ સિસ્ટમ ફીટ કરવામાં આવી રહી છે. પેટન્ટ મેળવ્યા પહેલા આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત બે રાજ્યોના પરિવહન નિગમોની બસોમાં AI-આધારિત અકસ્માત નિવારણ ડિવાઈસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ ટ્રકમાં પણ કરી શકાય છે.

Most Popular

To Top