Sports

લોન બોલમાં ઐતિહાસિક ગોલ્ડ જીતનારી ભારતીય મહિલાઓએ એશિયન ચેમ્પિયન બનવા ગાંઠના ગોપીંચદન ખર્ચવા પડ્યા

લોન બોલની રમત આપણા દેશમાં જ્યારે કોઇ જાણતું નહોતું અને તે કેવી રીતે રમાય છે તે પણ કોઇ જાણતું નહોતું તેવા સમયે બર્મિંઘમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પિન્કી, નયનમોની સેકિયા, લવલી ચોબે અને રૂપા રાનીએ લોનબોલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો અને અચાનક જ મળેલી આ સિદ્ધિને દરેક ભારતીયે વખાણી હતી અને ઘણાં લોકોએ લોન બોલ શું છે અને તે કેવી રીતે રમાય છે તે જાણવા માટે ગૂગલની મદદ લીધી હતી. જે તે સમયે આ ચારેય ચેમ્પિયન મહિલાઓ પર અભિનંદનની વર્ષા થઇ હતી અને દરેક ભારતીયે તેની પ્રશંસા કરી હતી.

જો કે આ ચારેય ચેમ્પિયન મહિલાઓની એ ઐતિહાસિક સિદ્ધિને દેશ થોડા મહિનામાં જ ભુલી ગયો હોય તેવું લાગે છે. કારણકે આ ચારેય મહિલા મલેશિયાના ઇપોહમાં લગભગ મહિના પહેલા યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં પણ ફરી એકવાર ગોલ્ડ જીતીને ચેમ્પિયન બની છે અને પહેલીવાર લોન બોલમાં ભારતને ચેમ્પિયન બનાવવાની સિદ્ધિ તેમણે મેળવી છે, ત્યારે તેમની કોઇ નોંધ પણ લેવાઇ નથી.

એ વાત તો જવા દો કે કોઇએ તેમની એ નોંધ પણ લીધી નથી પણ તેનાથી મહત્વની વાત તો એ છે કે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જવા માટે તેમને કોઇ સ્પોન્સર મળ્યો નહોતો કે કોઇ સરકારી સહાય પણ મળી નહોતી અને આ ચારેય મહિલા સહિતની આખી ટીમે જાતે પૈસા ખર્ચીને આ ટૂર્નામેન્ટ રમવા જવું પડ્યું હતું. નયનમોનીએ તો અર્જૂન એવોર્ડ જીતવાને કારણે તેને જે પુરસ્કારની રકમ મળી હતી તે પૈસાથી આ ટૂર્નામેન્ટ રમવા ગઇ હતી. ચેમ્પિયનશિપ દરમિયાન પિન્કીના બૂટ ફાટી ગયા હતા અને નવા બૂટ ખરીદવા માટે જરૂરી પૈસા ન હોવાથી તેણે ગ્લૂ વડે એ બૂટ ચીપકાવીને આખી ટૂર્નામેન્ટ રમી હતી.

કોમનવેલ્થ ગેમ્સની જેમ જ આ ચારેય મહિલાઓએ એશિયન ચેમ્પિયનશિપની લોન બોલ ફોરમાં પણ ગોલ્ડ જીત્યો જે દેશને આ રમતમાં એશિયન ચેમ્પિયનશિપમાં મળેલો પહેલો ગોલ્ડ હતો. 20થી 26 ફેબ્રુઆરી દરમિયાન ઇપોહમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ભારતે એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપ માટેની તૈયારી કરવા અર્થે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ) દ્વારા પણ તેમના માટે કોઇ કેમ્પ ગોઠવવામાં આવ્યો નહોતો. જેના કારણે ભારતીય બોલિંગ એસોસિએશને ઉછીના રૂપિયા લઇને ગુવાહાટીમાં જાતે જ એક કેમ્પનું આયોજન કર્યું હતું.

આમ તો જો કે તૈયારી માટે કેમ્પ મલેશિયામાં ગોઠવવાની જરૂર હતી. પણ અણીના ટાંકણે પૈસા ઓછા પડવાના કારણે તેના માટે ગુવાહાટીમાં તેનું આયોજન કરવું પડ્યું હતું. આ કેમ્પમાં જવા માટે લોન બોલના ખેલાડીઓએ જાતે પૈસા ખર્ચવા પડ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ પછી ભારતીય હોલિંગ એસોસિએશનને અત્યાર સુધી સાઇ તરફથી કોઇ આર્થિક મદદ મળી નથી. કોર્ટ તરફથી રમત એસોસિએશનને મળતી આર્થિક મદદ રોકી દેવાના આદેશ પછી આમ થયું છે. એસોસિએશને ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓની કિટ અને તૈયારી માટેના કેમ્પની પોતાના પાસેના નાણાથી વ્યવસ્થા ગોઠવી હતી.

જો કે તેમની પાસે ટીમને મલેશિયાના ઇપોહ મોકલવાની અને ત્યાં તેમના રોકાણ માટેના પૈસા નહોતા. ટીમ સાથે જ્યારે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આ ટૂર્નામેન્ટ કોઇપણ ભોગે રમવા માગે છે અને તે પછી તેઓ તમામ પોતાના સ્વખર્ચે ઇપોહની હવાઇ યાત્રા કરીને ત્યાંના રોકાણનો ખર્ચો પણ જાતે જ વહન કર્યો હતો. આ બાબતે નયનમોની કહે છે કે અર્જુન એવોર્ડની પુરસ્કારની રકમથી હવાઇ યાત્રાની ટિકીટ તેણે ખરીદી હતી. પિન્કીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સની સફળતા પછી ઓછામાં ઓછું અમને એટલી આશા હતી કે અમારે હવાઇ યાત્રાનો ખર્ચો જાતે ન ઉઠાવવો પડે, પણ તે આશા ઠગારી નીવડી છે. બોલિંગ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું હતું કે તેમને ક્યાંય થી પણ આ ટૂર્નામેન્ટ માટે કોઇ આર્થિક મદદ મળી નહોતી. જેટલા પૈસા અમારી પાસે ભેગા થયા તે બધા તૈયારી પાછળ ખર્ચાઇ ગયા અને તેથી ખેલાડીઓએ સ્વખર્ચે ટૂર્નામેન્ટ રમવા જવું પડ્યું.

Most Popular

To Top