મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં થયેલા હવાઈ હુમલાઓ બાદ અશાંતિનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ભારે ચિંતામાં છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સહિતના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓ, જે તબીબી શિક્ષણ માટે ઈરાન ગયા હતા, તેઓ હવે પોતાના ભવિષ્ય અને સુરક્ષા અંગે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશનએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. સંસ્થાએ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જરૂર પડે તો તેમના સ્થળાંતરની વ્યવસ્થા કરવા અપીલ કરી છે. સંસ્થા મુજબ 28 ફેબ્રુઆરી, 2026ના રોજ તેહરાન અને અન્ય શહેરોમાં થયેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ વિકટ બની છે.
હવાઈ ક્ષેત્ર બંધ થવાથી અને કડક સુરક્ષા પગલાંને કારણે વિદેશી નાગરિકો માટે જોખમ વધી ગયું છે. એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના અંદાજે 2,000 વિદ્યાર્થીઓ ઈરાનમાં છે. તેમાંના લગભગ 900 વિદ્યાર્થીઓ ભારત પરત ફરી ચૂક્યા છે, પરંતુ આશરે 1,100 વિદ્યાર્થીઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. પરિવારો કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક કાર્યવાહી અને સલામત વતન વાપસીની અપેક્ષા રાખી રહ્યા છે.તેહરાનમાં રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. એક વિદ્યાર્થીએ કહ્યું, “અહીં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. અમને ખબર નથી કે આગળ શું થશે. હવાઈ હુમલાઓ ચાલુ છે અને અમે સતત ભયમાં જીવી રહ્યા છીએ. કૃપા કરીને અમને અહીંથી બહાર કાઢો.” વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં અફરાતફરીના અવાજો સંભળાઈ રહ્યા હતા. ઇરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ વીડિયો શેર કર્યો; કહ્યું- ‘અમને નથી ખબર અમારું શું થશે’
ઉર્મિયા શહેર સ્થિત ઉર્મિયા યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. તેણીએ કહ્યું કે દૂતાવાસે અગાઉ દેશ છોડવાની સલાહ આપી હતી, પરંતુ શૈક્ષણિક સત્ર વચ્ચે હોવાથી ઘણા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓએ પરવાનગી આપી નહોતી.વિદ્યાર્થીઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ નક્કર અને ઝડપી પગલાં લઈ તમામ ભારતીયોને સલામત સ્થળે ખસેડે. “અમે ડરી ગયા છીએ. કૃપા કરીને અમારી મદદ કરો,” એમ વિદ્યાર્થીઓએ ભાવુક અપીલ કરી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર ભારત સરકાર નજર રાખી રહી છે, પરંતુ ફસાયેલા વિદ્યાર્થીઓ ઝડપી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.