ભારતીય શેરબજારમાં (Indian Stock Market) સપ્તાહની શરૂઆત શાનદાર રહી હતી. સોમવારના કારોબારમાં, BSE સેન્સેક્સ (Sensex) ફરી એકવાર 442 પોઈન્ટના ઉછાળા સાથે 59,000 અંકને પાર કરી ગયો. આજે શેરબજારમાં ઉછાળા પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી દિગ્ગજ કંપનીઓમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. 30 શેરો ધરાવતો બીએસઈ (BSE) સેન્સેક્સ 442.65 પોઈન્ટ્સ એટલેકે 0.75 ટકાના વધારા સાથે 59,245.98 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે 504.92 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 126.35 પોઈન્ટ એટલે કે 0.72 ટકાના ઉછાળા સાથે 17,665.80 પર બંધ થયો હતો.
આ શેરોમાં ઉછાળો અને ઘટાડો જોવા મળ્યો હતો
સેન્સેક્સ શેરોમાં સન ફાર્મા, આઈટીસી, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીસ અને આઈસીઆઈસીઆઈ બેંકનો મોટો ઉછાળો રહ્યો હતો. તેનાથી વિપરીત, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, પાવરગ્રીડ, એશિયન પેઇન્ટ્સ અને હિંદુસ્તાન યુનિલિવર ઘટ્યા હતા.
અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં રહ્યો હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ફાયદામાં હતો. યુરોપના મુખ્ય બજારો શરૂઆતના વેપારમાં ડાઉનટ્રેન્ડમાં હતા. શુક્રવારે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કોટક સિક્યોરિટીઝ લિ. ઇક્વિટી રિસર્ચના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ઇક્વિટીએ એશિયાના અન્ય બજારોમાં ઘટાડો અને યુરોપમાં નબળા વલણને અવગણ્યું હતું. તેનું કારણ મેટલ્સ, બેન્કો અને કેપિટલ શેરોમાં રોકાણકારોની ખરીદી છે. જોકે સાવચેતીભર્યો અભિગમ રહે છે કારણ કે વૈશ્વિક મંદીની અપેક્ષાએ બજાર અસ્થિર રહી શકે છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2.81 ટકા ઘટીને બેરલ દીઠ USD 95.63 થઈ ગયું છે. શેરબજારના આંકડા અનુસાર શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 8.79 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.