આજે તા. 6 જાન્યુઆરી 2026ને મંગળવારની સવારે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને સુરત જેવી 6 કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની ડિસ્ટ્રિક્ટ કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવા ધમકી અપાઈ છે.
આ ધમકીઓ લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઈલમ (LTTE) દ્વારા આપવામાં આવી હોવાની માહિતી સાંપડી છે. તમામ કોર્ટને એક સરખી પેટર્નથી ધમકીભર્યા મેઈલ મોકલાયા છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના સભ્યોએ કોર્ટોને નિશાન બનાવી હોવાનું અનુમાન છે.
ધમકીભર્યા મેઈલમાં શું લખ્યું છે?
JECTO GEO વિરોધઃ તમારા કોર્ટમાં ત્રણ RDXનો ઉપયોગ કરી માનવ આત્મઘાતી વિસ્ફોટ મુકાયા છે. આ વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે 1.55 સુધીમાં ન્યાયધીશોને ખાલી કરો.
સુરતમાં રાતે 2 વાગ્યે મેઈલ આવ્યો
સુરત જિલ્લા કોર્ટમાં મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરાયો હતો. સુરત જિલ્લા કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. સવારે કર્મચારીઓએ મેઈલ જોયો ત્યારે જાણ થઈ. તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. ડોગ, બોમ્બ સ્કવોડ કોર્ટ પર દોડી આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ સિટી કોર્ટને ધમકી મળી
આ અગાઉ ગઈકાલે સોમવારે તા. 5 જાન્યુઆરીના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તેના 24 કલાકમાં આજે અમદાવાદ સિટી કોર્ટને પણ ધમકી મળી છે. આજે સવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. બોમ્બથી કોર્ટ ઉડાવી દેવાની ધમકી હતી. ધમકીના પગલે કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી.
રાજકોટ કોર્ટને પણ ધમકી
દરમિયાન રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ કોર્ટના સિક્યુરિટી ઈન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. તાત્કાલિક કોર્ટ ખાલી કરી દેવાઈ હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.