વિશ્વની અગ્રણી મોબાઇલ કંપની એપલ-આઇફોનના ઉત્પાદનને ભારતમાં શરૂ કરવા માટેના અથાગ પ્રયાસો બાદ રંગ લાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. કોવિડ-19ના કારણે ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના કડક અમલના લીધે ભારતમાં આઇફોનના સપ્લાયરમાં વધારો થઇ રહ્યો છે. જે દર્શાવે છે કે, નજીકના ભવિષ્યમાં મોટા પાયે આઇફોનનું એસેમ્બલીંગ ભારતમાં થઇ શકે છે. જે હાલમાં ચીનમાં થઇ રહ્યું છે. આમ, ચીનને મ્હાત આપવામાં ભારત સફળ થતું જોવા મળી રહ્યું છે.
એપલ કંપનીના તાઈવાનના કોન્ટ્રાકટ ઉત્પાદક પેગાટ્રોન કોર્પોરેશને એપલના અદ્યતન આઈફોન 14 મોડેલનું એસેમ્બલિંગ ભારતમાં શરૂ કરતાં એપલે ચીનથી દૂર થઈ ભારતમાં આઈફોનના સપ્લાયરોમાં વધારો કર્યો છે.
પેગાટ્રોન એપલને ફોન પૂરા પાડતી બીજી એવી કંપની છે જે ભારતમાં આઈફોન 14નું ઉત્પાદન કરશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હજુય ભારતમાં સપ્લાયર તરીકે કંપનીઓએ તૈયારી દર્શાવી છે, જે અંગે આવનારા દિવસોમાં નિર્ણય લેવાશે.
આ બાબત એવા સમયે બની છે કે એપલના મુખ્ય મોડેલ આઈફોન પ્રોનું ફોક્ષકોન ટેક્નૉલૉજી ગ્રુપ દ્વારા ચીનના ઝેંગઝાઉ શહેરમાં ઉત્પાદન થાય છે. તે શહેરમાં કોવિડ-19ના પગલે સત્તાવાળાએ કડક લોકડાઉન લાદ્યાં હોવાથી એપલનો ચીન ઉપરનો વધુ પડતો વિશ્વાસ અને આધાર અત્યારે કંપની માટે સમસ્યારૂપ બની રહ્યો છે.
જોકે, ભારતના વિસ્તરણ અને વૈવિધ્યકરણની યોજના તો પહેલેથી જ અમલમાં છે. જોકે, એપલ તથા પેગાટ્રોને આ બાબત પર કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ફોક્ષકોને ભારતમાં સપ્ટેમ્બરમાં આઈફોન 14નું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેના થોડા સપ્તાહ પહેલા ફોક્ષકોને ચીનમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જ્યાં હજી પણ મોટા પ્રમાણમાં આઈફોનનું ઉત્પાદન થાય છે. એપલના મુખ્ય ઉત્પાદક ભાગીદાર ફોક્ષકોન જે આઈફોન પ્રો મોડેલનું ઝેંગઝાઉમાં એસેમ્બલિંગ કરે છે તેનો વિશેષાધિકાર ફોક્ષકોન પાસે છે. દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં પેગાટ્રોનનું આઈફોનનું ઉત્પાદન કેન્દ્ર છે, આ વર્ષની શરૂઆતથી પેગાટ્રોને આઇફોન 12નું ઉત્પાદન શરૂ કર્યુ હતું. પેગાટ્રોનની ફેકટરીમાં સપ્ટેમ્બર સુધીમાં 7000થી વધુ કમર્ચારીઓને કામ મળ્યું હતું. પેગાટ્રોનને સામાન્ય રીતે એપલના પ્રારંભિક કક્ષાના મોબાઇલના ઓર્ડર મળે છે.
વૉશિંગ્ટન અને બીજિંગ વચ્ચેનું વ્યાપાર યુદ્ધ અને ચીનમાં જિનપિંગની કોવિડ ઝીરો નીતિના અમલને કારણે ક્યુપર્ટિનો કેલિફોર્નિયા સ્થિત એપલ પોતાના ફોન માટે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર શોધી રહ્યું છે. ભારત ચીનના ઉત્પાદન કૌશલ્યના હરિફ તરીકે રજૂ કરી રહ્યું છે. જોકે ચીનમાંથી અન્યત્ર ઉત્પાદન કેન્દ્ર ફેરવવામાં એક મોટી તકલીફ છે કે આઈફોનના મોટા ભાગના સ્પેરપાર્ટસ ચીનમાં બને છે અને જ્યાં આઈફોનનું ઉત્પાદન કેન્દ્ર હોવાથી ત્યાં તેમને મોકલાવવા પડે, એમ એક વિશ્લેષણકાર ઈવાન લામે જણાવ્યું હતું.
એપલને આઈફોન પૂરા પાડતી સૌથી મોટી તાઈવાનની ત્રણ કંપનીઓ ફોક્ષકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન કોર્પોરેશન ભારતમાં આઈફોનનું એસેમ્બલિંગ વધારી રહી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાણાંકીય પ્રોત્સાહન યોજનાઓના કારણે દક્ષિણ એશિયન દેશોમાં આઇફોનની નિકાસ વધી છે. જે દેશ માટે ફાયદાકારક છે. 2017માં એપલે ભારતમાં વિસ્ટ્રોન મારફત આઈફોન એસેમ્બલિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો અને તેના માટેની ઉત્પાદન ક્ષમતા શરૂ કરવા માટે એક વર્ષ સુધી પ્રયત્ન કર્યો હતો.’