Sports

દક્ષિણ આફ્રિકા સામેની ODI  સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલ બન્યો કેપ્ટન

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે  સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. ઈજાગ્રસ્ત શુભમન ગિલની ગેરહાજરીમાં કેએલ રાહુલને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ સીરિઝ પૂરી થયા બાદ તા.30 નવેમ્બરથી ત્રણ વનડે મેચ રમાશે. બીસીસીઆઈએ આ વનડે સીરિઝ માટેની ટીમ જાહેર કરી છે. જેમાં ઘણા મહત્વના ફેરફારો જોવા મળ્યા છે.

શુભમન ગિલને કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનની ઈજા થઈ હતી. જેના કારણે તે માત્ર બીજી ટેસ્ટ જ નહીં પરંતુ આગામી ODI  સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રહુલ હાલ સારા ફોર્મમાં છે અને વનડે ફોર્મેટમાં અનુભવ ધરાવે છે.

બેટિંગ વિભાગમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા અને રુતુરાજ ગાયકવાડને સ્થાન મળ્યું છે. વિકેટકીપિંગની જવાબદારી કેએલ રાહુલ અને ઋષભ પંત સંભાળશે.

ગિલની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલના નામ પર ચર્ચા હતી પરંતુ અંતે પંત અને રાહુલની જોડીને જ પસંદ કરવામાં આવી છે.

બોલિંગ વિભાગમાં કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણાની જોડીને પસંદગી મળી છે. મહત્વના ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. જેથી તેઓ આગામી સીરિઝ માટે તૈયાર રહી શકે.

ODI સીરિઝ માટે ભારતની ટીમ:
કેએલ રાહુલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રુતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ.

Most Popular

To Top