તા.29 જાન્યુ.ના ગુ.મિત્રના અંકમાં નીલાક્ષી પરીખના ચર્ચાપત્ર સંદર્ભે સ્પષ્ટતા કરવી પડે એમ છે કે કોટી શબ્દના બે અર્થ છે કરોડ અને પ્રકાર, દેવતા 33 કોટી એટલે 33 પ્રકારના માનવામાં આવે છે.દેવતાઓની સંખ્યા 33 કરોડ નહિ, 33 પ્રકારના દેવતાઓ છે, તેમાં આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે એવી માન્યતા છે. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે, ભારતીય દર્શનો, પ્રચલિત માન્યતા અને પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ ત્રણ દર્શનો નાસ્તિક છે, જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને વેદાન્ત (ઉત્તર મીમાંસા) આ છ દર્શનો આસ્તિક છે. આસ્તિક ગણાતાં દર્શનોમાં પૂર્વમીમાંસા અને સાંખ્ય પણ નિરીશ્વરવાદી છે. શાંકર વેદાન્તનો બ્રહ્મવાદ પણ ઈશ્વરના સિદ્ધાન્તનો પોષક તો નથી જ. ન્યાયવૈશેષિક દર્શનમાં કણાદ, ગૌતમ અને વાત્સ્યાયન ઈશ્વરને સ્વીકારતા નથી. યોગસૂત્રકાર પતંજલિ પણ નિત્યમુક્ત ઈશ્વરને માનતા હોય એમ લાગતું નથી.
તેમના મતે સાધના કરી ક્લેશાદિથી રહિત બનેલો જીવન્-મુક્ત ઉપદેષ્ટા ગુરુ જ ઈશ્વર જણાય છે અને તે જ ઉપાસ્ય છે. આમ પ્રાચીનકાળથી ઈશ્વરમાં માનનારા અને ન માનનારા દર્શનો અસ્તિત્ત્વ ધરાવે છે. આપણે ઈશ્વર પ્રત્યે આસ્થા ધરાવતા હોઈએ એટલે આસ્થા ન ધરાવનારા ખોટા છે એમ કહેવું યોગ્ય નથી. વળી કોઈ કહે કે મને ઈશ્વરના દર્શન થયા તો કોઈની કહેલી વાત સ્વીકારવી કેટલે અંશે વાજબી છે એ વિચારવું રહ્યું. ભગવાનને ભૂલી ન જવાય એટલે મંદિરો નથી પણ ધર્મને નામે, આસ્થાને નામે અંધશ્રદ્ધા ફેલાવી વેપાર કરવાનું સ્થાન છે. જે ભ્રમમાં જીવી રહ્યા છે એને આ વાત શી રીતે સમજાય? સારા માણસ બનવા આસ્તિક હોવું જરૂરી નથી. એમ હોત તો દુનિયાનો પ્રત્યેક આસ્તિક સારો અને પ્રત્યેક નાસ્તિક નકામો માણસ હોત. સારા માણસ બનવા બુદ્ધિ નહીં પણ વિવેકબુદ્ધિ જરૂરી છે.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.