ભારતના પેરા જુડો ખેલાડી કપિલ પરમારે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કપિલે પુરુષોની 60 કિગ્રા જે1 ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રાઝિલના એલિએલટન ડી ઓલિવિરાને 10-0થી હરાવ્યો હતો અને બ્રોન્ઝ મેળવવામાં સફળ રહ્યો હતો. કપિલ ભારત તરફથી પેરાલિમ્પિક અથવા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ જુડોકા છે. આ રીતે ભારતની પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. ભારતે પેરિસ ગેમ્સમાં અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
પરમારે 2022 એશિયન ગેમ્સમાં આ જ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં વેનેઝુએલાના માર્કો ડેનિસ બ્લેન્કોને 10-0થી હરાવ્યો પરંતુ સેમિફાઇનલમાં ઇરાનના એસ બનિતાબા ખોરમ અબાદી સામે હાર્યો. પરમારને બંને મેચમાં એક-એક યલો કાર્ડ મળ્યું હતું. કપિલ ભલે ગોલ્ડ ન લાવી શક્યો પરંતુ તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો. તે જ સમયે મહિલાઓની 48 કિગ્રા J2 વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની કોકિલાને કઝાકિસ્તાનની અકમરલ નૌતબેક સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો.