Charchapatra

જાળવવા જેવી ભારતીય કુટુંબપધ્ધતિ

ગત 15મી મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ હતો. કૌટુંબિક મૂલ્યો એ ભારતની પરંપરા છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ એટલે કુટુંબ ઉપરાંત આપણી આસપાસની વ્યક્તિઓ, પશુ-પંખીઓ, વનસ્પતિ વિગેરે સાથે પણ આપણે રોજબરોજના સંબંધ ધરાવીએ છીએ. આ બધા મળીને એક પરિવાર બને છે. આવી સુંદર વ્યવસ્થા પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. શિવ પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. શિવ પરિવારમાં દરેકની પ્રકૃતિ અલગ અલગ હોવા છતાં એક સાથે જ રહે છે. ભગવાન શિવના ગળામાં સાપ છે, જે ગણેશજીના વાહન ઉંદરનો શત્રુ છે. કાર્તિકેયનું વાહન મોર સાપનો દુશ્મન છે.

શિવની સવારી બળદ (નંદી) છે તો ભવાની (પાર્વતીજી) સિંહની સવારી કરે છે. આપણા મહાન ધર્મગ્રંથો રામાયણ અને મહાભારત-કુટુંબ કથા પર આધારિત છે. રામાયણની કથા વસ્તુ કુટુંબ વ્યવસ્થાનો આદર્શ ઉદાહરણ છે. જે આપણને કુટુંબ સાથે જીવવાની પ્રેરણા આપે છે. મહાભારતની કથા વસ્તુમાંથી જીવનનો બોધપાઠ મળે છે. કુટુંબ (પરિવાર) કે જેમાં બાળક માતાની મમતા અને વત્સલતામાં તરબોળ રહે છે, પિતાની સાથે સાથે ચાલતાં શીખે છે, દાદીના ખોળામાં સ્વર્ગનું સુખ પામે છે.

દાદાજીની વાર્તાઓથી મનમાં કુળ ગૌરવ, ઇતિહાસની વાર્તાઓથી મનમાં રાષ્ટ્રપ્રેમની ચિનગારી ધધકી ઊઠે છે. માતા-પિતા પ્રત્યે શ્રધ્ધા, એકબીજા આપ્તજનો માટે ત્યાગ નિરપેક્ષ સેવાનો ભાવ, એકબીજા માટે મરી ફીટવાની ભાવના સહજતાથી ઊભી થાય છે. આમ કુટુંબ પરિવાર એ સુરક્ષાનું અને આશ્વસ્તતાનું અજબ રસાયણ છે અને આ રસાયણ એ આપણા ભારત દેશની વિશેષતા છે અને તેથી પશ્ચિમી વિચારધારાને આધીન તથા અંગત ધોરણે આજ ઘણાં કુટુંબો વિભક્ત બની રહ્યાં છે તેને નિવારવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પાનખરનાં પુષ્પો
જીવનમાં વર્ષો ઉમેરાતાં, ઉંમર વધી એ મીનમેખ છે. વૃધ્ધત્વ અટકાવી શકાતું નથી, પણ આ વધતી ઉંમરે પણ, જે પાનખર ગણી શકાય તેમાં પણ પુષ્પો ઉમેરવાં એ વ્યક્તિગત અભિગમ છે. એટલે કે આ વૃધ્ધાવસ્થામાં નિરાશાના સૂરોને ત્યજીને, આનંદિત જીવન માણી, પાનખરને પણ પુષ્પવાટિકા બનાવી શકાય છે. જેને માટે સુરુચિ વાચન ખૂબ જ જરૂરી છે, જે વ્યક્તિ પાસે (24X7) ઉપલબ્ધ હોય છે. જેનો વિશેષ ઉપયોગ કરી, એકલતા ટાળી શકાય છે. કારણ, Books are Best Friend. બીજું જો શોખ ન હોય તો પણ, લેખનકાર્ય ચાલુ રાખો.

ત્રીજું વયસ્ક ઉંમરે સંગીત સાંભળતાં ત્થા વિશેષમાં ગાવાનો અભિગમ રાખો. સુરતમાં ઘણાં મંડળો છે, જે વયસ્કોના આ શોખને ઉજાગર કરવા તક આપે છે. બસ, તમે આ માધ્યમનો લાભ લો. ચોથું જો શારીરિક ક્ષમતા, સારી રહેતી હોય તો, નજીકનાં સ્થળે, મિત્રો/મંડળો સાથે એક દિવસીય પ્રવાસ કરો, વિહાર કરો, ચોથું અને સૌથી મહત્ત્વનું બીજી વ્યક્તિનું આદર/માન જાળવો. પ્રેમપૂર્વક વર્તન રાખો. પ્રભુનો દરરોજ આભાર માનતા રહો અને પાનખરમાં પણ પુષ્પો ખાલતાં નિહાળતાં રહો.
સુરત     – દીપક બંકુલાલ દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top