સુરતમાં 140 અને સમગ્ર રાજ્યમાં 400થી વધુ બોગસ ડર્મેટોલોજિસ્ટ પ્રેક્ટિસ કરી રહ્યાં હોવાનો ચોંકાવનારો દાવો ઈન્ડિયન ડર્મેટોલોજિસ્ટના સભ્યો એવા નિષ્ણાત ડિગ્રી ધારક તબીબોએ કર્યો છે. આ બોગસ ડર્મેટોલોજિસ્ટ દર્દીઓના જીવને જોખમમાં મુકી રહ્યાં હોય તેઓ સામે ઈન્ડિયન ડર્મેટોલોજિસ્ટ એસોસિએશન દ્વારા અભિયાન શરૂ કરાયું છે.
ઇન્ડિયન ડર્મેટોલોજિસ્ટ એસોસિયેશન દ્વારા લોકોને ચામડીની સારવાર અને તેની સાથે જોડાયેલી ગેરસમજો અંગે જાગૃત કરવા એક મહત્ત્વપૂર્ણ વર્કશોપનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ શુક્રવારે સવારે 7:00 થી 8:00 અને 8:00 થી 9:00 વાગ્યા દરમિયાન બે સેશનમાં યોજાયો હતો.
પ્રથમ સેશનનો મુખ્ય વિષય હતો બોગસ ડર્મેટોલોજિસ્ટને ઓળખવા અને તેમની સારવારથી બચવું. આ સેશનમાં નિષ્ણાતો દ્વારા લોકોને ક્વોલિફાઇડ ડર્મેટોલોજિસ્ટની ઓળખ અને બોગસ ડર્મેટોલોજિસ્ટ પાસે સારવાર લેવાથી થતાં સંભવિત નુકસાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
બીજું સેશન ચામડીના રોગોની સારવારમાં સ્ટીરોઇડના ઉપયોગ પર કેન્દ્રિત હતું. આ સેશનમાં નિષ્ણાતોએ સ્ટીરોઈડનો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો જોઈએ, તેમજ તેના અતિશય ઉપયોગથી દર્દીઓને થતાં નુકસાન વિશે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ડર્મેટોલોજિસ્ટ એસોસિયેશનનો ઉદ્દેશ લોકોને યોગ્ય અને વૈજ્ઞાનિક સારવાર વિશે જાગૃત કરીને તેમના આરોગ્યનું રક્ષણ કરવાનો છે. આવા આયોજનો દ્વારા એસોસિયેશન સમાજમાં સ્વસ્થ અને જાગૃત જનસમુદાયનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.