Sports

ભારતીય ક્રિકેટર ઈશાન કિશનનું યુકેમાં એક્સિડેન્ટ થયું, ઈ-બાઈક પરથી પડી જતા ઘાયલ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન દુલીપ ટ્રોફી 2025-26 ની પહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. ઇશાન કિશન થોડા સમય પહેલા નોટિંગહામશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમવા માટે યુકેમાં હતો.

અહેવાલ મુજબ, યુકે પ્રવાસ દરમિયાન ઇ-બાઇક પરથી પડી જવાથી ઇશાન ઘાયલ થયો હતો, જેના કારણે તેને ટાંકા લેવા પડ્યા હતા. ઇશાન કિશન તે ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી.

ઈશાન કિશનના સ્થાને ઓડિશાના આશીર્વાદ સ્વૈનને ઈસ્ટ ઝોન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાનની ગેરહાજરીમાં અભિમન્યુ ઈશ્વરનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઈજાને કારણે ઈશાનને ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટ મેચ માટે ઋષભ પંતના સ્થાને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ પસંદગીકારોએ તમિલનાડુના વિકેટકીપર નારાયણ જગદીશનને ટીમમાં સામેલ કર્યો.

ઇશાન કિશનની ઇજા ગંભીર નથી પરંતુ સાવચેતી રૂપે તેને ટીમની બહાર રાખવામાં આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આવતા મહિને ઓસ્ટ્રેલિયા-એ સામેની બે ફર્સ્ટ ક્લાસ મેચ માટે ફિટ થઈ જશે. હાલમાં ઇશાન કિશન બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે રિકવરી અને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે.

આ ક્રિકેટર ઈશાન કિશનની જગ્યાએ વિકેટકીપિંગ કરશે
ઈશાન કિશનની ગેરહાજરીમાં ઝારખંડનો વિકેટકીપર કુમાર કુશાગ્ર પ્રથમ મેચમાં પૂર્વ ઝોનની પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. દુલીપ ટ્રોફીમાં પૂર્વ ઝોનની ટીમ 28 ઓગસ્ટથી ઉત્તર ઝોન સામે તેની પહેલી મેચ રમશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. તેની મેચો બેંગલુરુમાં યોજાશે.

ફાસ્ટ બોલર આકાશ દીપ પણ પહેલી મેચમાં પૂર્વ ઝોન ટીમનો ભાગ રહેશે નહીં. તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આકાશ દીપની ઈજા અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. આકાશનો ફિટનેસ ટેસ્ટ પછીથી લેવામાં આવશે. આકાશ દીપે ઇંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ ટેસ્ટમાં 13 વિકેટ લીધી.

આકાશ દીપ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં આમાંથી 10 વિકેટો લઈ ચૂક્યો હતો, જ્યાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પર 336 રનથી યાદગાર વિજય મેળવ્યો હતો. આકાશ દીપે ઓવલ ટેસ્ટ મેચમાં નાઈટવોચમેન તરીકે અડધી સદી પણ ફટકારી હતી. આકાશની જગ્યાએ આસામના મુખ્તાર હુસૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top