World

કેનેડામાં સૌથી મોટી 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીય કનેકશન બહાર આવ્યું

વર્ષ 2023માં થયેલી સોનાની ચોરી જેની કિંમત આશરે $20 મિલિયન (આશરે ₹166 કરોડ) છે, તેને કેનેડિયન ઇતિહાસની સૌથી મોટી ચોરી માનવામાં આવે છે. આ કેસમાં, કેનેડિયન સરકારે ભારત પાસેથી આરોપી પ્રીત પાનેસરના પ્રત્યાર્પણની સત્તાવાર વિનંતી કરી છે.

કેનેડાની પીલ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય પ્રીત પાનેસર આ ચોરીનો મુખ્ય સૂત્રધાર હતો. એર કેનેડાના ભૂતપૂર્વ મેનેજર પાનેસર પર એર કાર્ગો સિસ્ટમનો દુરુપયોગ કરીને સોનાથી ભરેલા કન્ટેનરની ચોરી કરવાનો આરોપ છે. એવું કહેવાય છે કે પાનેસરે સોનાના શિપમેન્ટને ઓળખી કાઢ્યું, સિસ્ટમ હેક કરી અને તેના દ્વારા એરપોર્ટમાંથી સોનાથી ભરેલા કન્ટેનરને બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ફેબ્રુઆરી 2025 માં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે પાનેસર ભારતમાં છુપાયેલો છે. તે પંજાબના મોહાલીમાં ભાડાના ઘરમાં મળી આવ્યો હતો . ત્યારબાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઘર પર દરોડો પાડ્યો અને મની લોન્ડરિંગના આરોપસર કેસ દાખલ કર્યો. એવી શંકા છે કે આશરે 85 મિલિયન હવાલા સિસ્ટમ દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા અને સંગીત અને ફિલ્મ ઉદ્યોગોમાં પ્રોજેક્ટ્સ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ નાણાં પાનેસરની પત્નીની કંપની દ્વારા રોકાણ કરવામાં આવ્યા હતા.

દરમિયાન, કેનેડિયન પોલીસે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પરથી અન્ય એક આરોપી અર્સલાન ચૌધરીની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે પ્રીત પાનેસર સહિત બે હજુ પણ ફરાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ કહે છે કે તેમને હજુ સુધી સત્તાવાર પ્રત્યાર્પણ વિનંતી મળી નથી, પરંતુ તેઓ કેનેડિયન એજન્સીઓ સાથે સંપર્કમાં છે. આ કેસ બંને દેશો વચ્ચે કાયદા અમલીકરણ સહયોગ માટે એક મોટો પડકાર બની ગયો છે.

Most Popular

To Top