National

સોમાલિયા નજીક હાઈજેક કરાયેલા જહાજ પર ભારતીય કમાન્ડો ઉતર્યા, તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવ્યા

નવી દિલ્હીઃ (New Delhi) ભારતીય કમાન્ડોની (Indian Commandos) મહેનત આખરે રંગ લાવી છે. ભારતીય નૌકાદળે સોમાલિયા નજીક ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા એમવી લીલા નોરફોક જહાજમાં સવાર 15 ભારતીય ક્રૂ મેમ્બરને (Crew Members) બચાવી લીધા છે. ભારતીય નૌકાદળ INS ચેન્નાઈ યુદ્ધ જહાજ સાથે 15 લોકોના જીવ બચાવવા માટે પહોંચી હતી. લાંબા સમય સુધી ચાલેલા આ ઓપરેશન બાદ એમવી લીલા નોરફોકમાં સવાર 15 ભારતીયો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. સૈન્ય અધિકારીએ એએનઆઈને જણાવ્યું કે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાઇજેક કરાયેલા જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા. દરેકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

ભારતીય નૌકાદળની હિંમત અને તાકાતના કારણે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે એમવી લીલા નોરફોક જહાજમાં સવાર ક્રૂ સહિત 15 ભારતીયો સુરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે 4 જાન્યુઆરીએ યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એ અહેવાલ આપ્યો હતો કે લાઇબેરિયન-ધ્વજવાળું કાર્ગો જહાજ દ્વારા એમવી લીલા નોર્ફોકને હાઇજેક કરવામાં આવ્યું છે. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે. તે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે. હાઇજેક કરાયેલા આ જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. આ પછી ભારતીય નૌકાદળ એક્શનમાં આવ્યું અને શુક્રવારે એટલે કે આજે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ સાથે આવી પહોંચ્યું હતું. એવી માહિતી પણ મળી હતી કે જહાજમાં પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો સવાર હતા.

નેવીના માર્કોસ કમાન્ડોને જોઈને લૂંટારુઓ ભાગી ગયા
ભારતીય નૌકાદળને માલવાહક જહાજના અપહરણની માહિતી મળતાં જ તેણે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ, મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P8L અને રિકોનિસન્સ પ્રિડેટર MQ9B ડ્રોન તૈનાત કર્યા હતા. INS ચેન્નાઈએ શુક્રવારે બપોરે લગભગ 3:15 વાગ્યે અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇજેક કરેલા જહાજને ઘેરી લીધું હતું. આ દરમિયાન સૈનિકોએ ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી. જે બાદ ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ અપહરણ કરાયેલા જહાજ પર ઉતરીને તેની શોધખોળ કરી હતી પરંતુ ચાંચિયાઓ મળ્યા ન હતા.

Most Popular

To Top