ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ચીફ રાકેશ પાલનું ચેન્નાઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલીક નવી સુવિધાઓના ઉદ્ઘાટન માટે તેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાકેશ પાલને જુલાઈ 2023 માં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
INS અડયાર બોર્ડ પર જ્યારે તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચેન્નાઈની મુલાકાતની તૈયારીઓ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. તેમને લગભગ 2.30 વાગ્યે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાકેશ પાલ ઈન્ડિયન નેવલ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જાન્યુઆરી 1989માં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં જોડાયા હતા. 35 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં ફ્લેગ ઓફિસરે અનેક મુખ્ય હોદ્દા પર સેવા આપી છે જેમાં કમાન્ડર કોસ્ટ ગાર્ડ એરિયા (ઉત્તર પશ્ચિમ), ગાંધીનગર, ડેપ્યુટી ડાયરેક્ટ જનરલ (નીતિ અને યોજનાઓ) અને કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટરમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ કોસ્ટ ગાર્ડ સામેલ છે.