વિશાખાપટ્ટનમ વન ડેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગ સામે લથડી પડી અને અને એ વન ડેમાં ભારતના વન ડે ઇતિહાસનો સૌથી ભુંડો પરાજય મળ્યો હતો. આ કંઇ પહેલીવાર એવું નહોતું બન્યું કે જ્યારે ક્રિકેટમાં ડાબોડી ઝડપી બોલર સામે ભારતીય ટીમ ધરાશાયી થઇ હોય. આ પહેલા 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મહંમદ આમિર સામે, ઇંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડકપની સેમીફાઇનલમાં ટ્રેન્ટ બોલ્ટ સામે અને યુએઇમાં રમાયેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં શાહિન આફ્રિદી સામે આ રીતે જ ભારતીય બેટીંગ લાઇનઅપ લથડી પડી હતી. ડાબોડી ઝડપી બોલર સામે ભારતીય બેટ્સમેનોની શરણાગતિ પાછળનું સૌથી મોટું કારણ એ કે ભારતીય ટીમ પાસે એવા કોઇ ક્વોલિટી ડાબોડી બોલર છે જ નહીં, જે ટીમ ઇન્ડિયાને પુરતી પ્રેક્ટિસ કરાવી શકે.
ભારતીય ટીમના બેટ્સમેનો પણ છેલ્લા 10 વર્ષથી ડાબોડી ઝડપી બોલરો સામે ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ ડાબોડી ઝડપી બોલરો સામે પ્રેક્ટિસનો અભાવ છે. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં સ્ટાર્ક, બોલ્ટ, શાહીન કે આમિર જેવા ડાબોડી ઝડપી બોલર નથી. ભારતીય ટીમ વતી જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે તેવા ડાબોડી ઝડપી બોલરોમાં ખલીલ અહેમદ, જયદેવ ઉનડકટ, બરિન્દર સરન, ચેતન સાકરિયા, થંગારાસુ નટરાજન અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. જો કે આ તમામ પાસે એ ક્વોલિટી નથી જે ટ્રેન્ટ બોલ્ટ, મિચેલ સ્ટાર્ક, મહંમદ આમિર કે શાહીન આફ્રિદી પાસે છે. વળી તેમાંથી એકપણ બોલર નિયમિતપણે 145 કે તેનીથી વધુની ઝડપે બોલિંગ કરી શકતો નથી કે સ્વીંગ કરાવી શકતો નથી.
આ સિવાય મુકેશ ચૌધરી, યશ દયાલ, આકાશ સિંહ અને મોહસીન ખાન જેવા કેટલાક બોલર ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યા છે, આ પસંદગીના 10-12 બોલરોની સામે ભારતીય બેટ્સમેનો છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેનું પરિણામ એ છે કે આ પ્રેક્ટિસ ઇનટરનેશનલ લેવલના ઝડપી બોલરોનો સામનો કરવા માટે પૂરતી નથી. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સીરિઝમાં ભારત માટે ઉનડકટ એકમાત્ર ડાબોડી ઝડપી બોલિંગનો વિકલ્પ છે. 2013 પહેલા, ઝહીર ખાન, ઈરફાન પઠાણ, આરપી સિંહ અને આશિષ નેહરાના રૂપમાં 4 ડાબોડી ઝડપી બોલરો ટીમ ઈન્ડિયામાં સાથે રમી ચૂક્યા છે અને તે સમયે ભારતીય બેટ્સમેનોનું વસિમ અકરમ સહિતના ડાબોડી બોલરો સામે પ્રદર્શન ઉમદા રહ્યું હતું.