National

ચીનને ટક્કર આપવા ભારતે લદ્દાખના પેંગોંગ લેક પર ઉતારી હાઈટેક બોટ, સેનાને મળ્યાં અનેક હથિયારો

ભારતીય સેનાને (Indian Army) ચીન (China) સામે પોતાની તાકત બતાવવા માટે મંગળવારે કેટલાક ઘાતક હથિયારો મળ્યાં છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને અડીને આવેલા પેંગોંગ તળાવ પર ચીનનો સામનો કરવા રક્ષા મંત્રી રાજનાથ સિંહની (Rajnath Singh) હાજરીમાં પેંગોંગ લેક (Pangong Lake) પર ખાસ બોટ ઉતારવામાં આવી છે. જેમાં એક જ વારમાં 35 સૈનિકોને લઈ જઈ શકાશે. આ હાઈ પાવર્ડ બોટ ઉપરાંત એન્ટી-પર્સોનલ માઈન, ડ્રોન, એકે-203 રાઇફલ સહિતના હથિયારો પણ સેનાને ભેટ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પેંગોગમાં ભારતીય સેનાને આ હથિયારો સોંપ્યા હતા. આ પ્રસંગે રક્ષામંત્રી (Defense Minister) રાજનાથ સિંહે કહ્યું કે આ પ્રણાલીઓ અને ઉપકરણો સેનાની ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યના પડકારોનો સામનો કરશે.

મંગળવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતીય સેનાને પેંગોંગ લેક પર એક ખાસ બોટ મળી હતી. સૈનિકો વતી આ બોટનો ઉપયોગ કરીને લેન્ડિંગ ક્રાફ્ટ એટેકને અંગેનું એક પ્રદર્શન કરાયું હતું. આ ખાસ બોટમાં એક સાથે 35 જવાન સવાર થઈ શકે છે. આ બોટ અત્યંત આધુનિક છે. આમાં 35 સૈનિકો એક સમયે સવારી કરીને ખૂબજ ઓછા સમયમાં પેંગોંગ તળાવના કોઈપણ ભાગમાં પહોંચી શકે છે.

ભારતીય સેનાને એલએસી પાસે સુરક્ષાને મજબૂત કરવા માટે સ્વદેશી ટેક્નોલોજીથી બનેલું ડ્રોન પણ આપવામાં આવ્યું છે. આ ડ્રોન દ્વારા એલએસીની આસપાસના વિસ્તાર પર સરળતાથી નજર રાખી શકાશે. ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફ્રન્ટ પર તહેનાતી અને પેટ્રોલિંગ માટે ખાસ પ્રકારના કોમ્બેટ વ્હીકલ સેનાને સોંપ્યા હતા. રક્ષામંત્રી દ્વારા સોંપવામાં આવેલા આ હથિયારો અને સાધનો કોઈપણ પરિસ્થિતિમાં ચીની સેનાને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને અડીને આવેલો છે પેંગોંગ તળાવ. 13,900 ફૂટની ઉંચાઈ પર 134 કિમી લાંબા તળાવને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. સરોવરના લગભગ બે તૃતીયાંશ ભાગ પર ચીનનું નિયંત્રણ છે. ગયા વર્ષે સેનાએ તેના હાલના જહાજોના કાફલાને મજબૂત કરવા માટે 12 એલસીએ બોટનો ઓર્ડર આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, એલસીએ વધુ બહુમુખી છે અને તેણે પ્રક્ષેપણ, ગતિ અને ક્ષમતાની મર્યાદાઓને દૂર કરી છે. તેણે પૂર્વી લદ્દાખમાં પાણીના અવરોધોને પાર કરવાની ક્ષમતામાં વધારો કર્યો છે.

Most Popular

To Top