વોશિંગ્ટન,તા. 05(પીટીઆઇ): અમેરિકન વહીવટ તંત્રના મહત્ત્વનાં પદો પર ભારતીયોની નિયુક્તિથી ગદગદ યુએસના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે, ભારતીયો અમેરિકાને સંભાળી રહ્યા છે. પોતાના 50 દિવસથી ઓછા કાર્યકાળ દરમિયાન જ જો બિડેને 55 ભારતીય મૂળનાં અમેરિકનોને તેમના સ્પીચ રાઇટરથી માંડીને નાસામાં વિવિધ પદો પર નિયુક્ત કર્યા છે. સરકારના તમામ વિભાગમાં ભારતીયોનો દબદબો વધ્યો છે.
સરકારનો ભાગ રહેલાં સ્વાતી મોહન સાથેની વાતચીતમાં જો બિડેને કહ્યું કે, ભારતીય અમેરિકનો અમેરિકાને સંભાળી રહ્યા છે જેમાં તમે ડો. સ્વાતી મોહન, મારાં ઉપરાષ્ટ્રપતિ (કમલા હેરિસ), મારા સ્પીચ રાઇટર વિનય રેડ્ડી. હું તમારો આભાર માનું છું, તમે બધાં શાનદાર છો.
પ્રમુખ બિડેને 18 ફેબ્રુઆરીએ મંગળ પર પર્સિવરન્સ રોવરની ઐતિહાસિક ઉતરાણમાં સામેલ નાસાના વૈજ્ઞાનિકો સાથેની વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહન નાસાના મંગળ 2020 મિશનના માર્ગદર્શન, સંશોધક અને નિયંત્રણ કામગીરીનું નેતૃત્વ કરે છે.20 જાન્યુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા બિડેને ઓછામાં ઓછા 55 ભારતીય-અમેરિકનોને તેમના વહીવટમાં ચાવીરૂપ પદ પર નિમણૂક કરીને ઇતિહાસ રચ્યો છે.આમાં ઉપરાષ્ટ્રપતિ હેરિસ, જે ચૂંટાયેલા છે, અને નીરા ટંડેનનો સમાવેશ થતો નથી, જેમણે એક દિવસ અગાઉ વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડિરેક્ટર પદેથી ઉમેદવારી નોંધાવી લીધી.