National

ભારતીય વાયુસેનાએ રચ્યો ઈતિહાસ, રાતના અંધારામાં કારગિલ એરસ્ટ્રીપ પર પહેલીવાર કર્યું લેન્ડિંગ

નવી દિલ્હી: (New Delhi) ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પાકિસ્તાન અને ચીન બંનેને એક સાથે ચોંકાવી દીધા હતા. ભારતીય વાયુસેનાના હર્ક્યુલીસ ‘C-130J’ એરક્રાફ્ટે કારગિલ એરસ્ટ્રીપ પર પ્રથમ વખત નાઇટ લેન્ડિંગ (Night Landing) કર્યું છે. વાયુસેનાએ રવિવારે આ સિદ્ધિ વિશે માહિતી શેર કરી હતી. કારગીલની આ એરસ્ટ્રીપ ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલી છે. આવી સ્થિતિમાં રાત્રે અહીં લેન્ડિંગ એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ અને વાયુસેનાનો નવો રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે ભારતીય વાયુસેનાનું આ મિશન એક કવાયતનો ભાગ છે જેના હેઠળ કમાન્ડોને મુશ્કેલ પરિસ્થિતિમાં તરત જ મોરચા પર મોકલી શકાય છે. આ ઉપલબ્ધિ પર ભારતીય વાયુસેનાનું કહેવું છે કે રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર એરક્રાફ્ટના લેન્ડિંગ દરમિયાન ટેરેન માસ્કિંગ વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે વાયુસેનાએ કહ્યું કે આ કવાયતથી ગરુડ કમાન્ડોના પ્રશિક્ષણ મિશનમાં પણ મદદ મળી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય સુરક્ષા દળોની ક્ષમતાઓ સતત વિસ્તરણ કરવામાં આવી રહી છે. સેનાની સાથે વાયુસેના પણ ભારતીય સરહદો પર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ પોતાની દેખરેખ વધારી રહી છે.

દિવસ અને રાત બંને સમયે ચુસ્ત દેખરેખ રાખવાના આશયથી ભારતીય વાયુસેનાના હર્ક્યુલીસ એરક્રાફ્ટને રાત્રે ગાઢ ટેકરીઓ વચ્ચે કારગીલની એરસ્ટ્રીપ પર લેન્ડ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિને જોતા તેને વાયુસેનાની મોટી સફળતા કહી શકાય. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે કારગીલમાં આ મિશન દરમિયાન ટેરેન માસ્કિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેરેન માસ્કિંગ એ એક વ્યૂહરચના છે જેના હેઠળ વાયુસેનાના વિમાન દુશ્મન દેશ અથવા સેનાના રડારને ચકમો આપીને તેમના લક્ષ્ય સુધી પહોંચે છે.

Most Popular

To Top