મુંબઇ: ભારતીય ટીમ (Team India) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25 ની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી સાથે કરશે. 12 જુલાઈથી ભારત (India) અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) વચ્ચે પ્રથમ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ નવી જર્સી (New Jersey) પહેરીને મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જર્સી પહેર્યા બાદ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી છે. જેના લીધે ઘણા ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આ સીરીઝમાં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર પ્લેયર અજિંક્ય રહાણે પણ જોવા મળશે. તેમજ આ ટેસ્ટમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ નવી જર્સીના ખભા પર બ્લૂ રંગની લાઇન્સ છે અને જર્સીમાં આગળ એક બાજુ કોઇ કંપનીનું વિજ્ઞાપન છે જ્યારે બીજી બાજુ BCCIનો લોગો છે. તેમજ પહેલા ટીમ ઇન્ડિયાની જર્સીમાં બ્લૂ રંગથી INDIA લખ્યુ હતું. જ્યારે હવે લાલ રંગથી DREAM-11 લખવામાં આવેલ છે. ખરેખર DREAM-11 ટીમ ઈન્ડિયાનું નવું સ્પોન્સર છે. તેની બીસીસીઆઈ સાથે 350 કરોડ રૂપિયાની ડીલ છે. પરંતુ ડ્રીમ ઈલેવનની જાહેરાત સાથે આ જર્સીને જોઈને ચાહકો નિરાશ થયા છે.
કેપ્ટન રોહિત શર્માએ નવી ટેસ્ટ જર્સી સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સિવાય અન્ય ખેલાડીઓએ પણ તેમની જર્સીનો ફોટો શેર કર્યો છે. હવે આના પર ચાહકોની પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે, જેમાં ઘણા ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફેન્સને આ નવી જર્સી કઇ ખાસ પસંદ આવી નથી. તેમના મુજબ આ જર્સી વધારે કલરફુલ થઇ ગઇ છે. આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં રમવા આવી હતી ત્યારે જર્સીની વચ્ચે INDIA લખેલું હતું, જે ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું.