નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારતને 209 રને હરાવ્યું હતું. ભારતીય ટીમને હાર સાથે એક મોટો ઝટકો મળ્યો છે. ICCએ ટીમના તમામ ખેલાડીની મેચની ફી કાપી લેવામાં આવી છે. ઉપરાંત આ મેચમાં શુભમન ગીલને મોટો ફટકો પડ્યો છે. તેને ફી ન મળવાની સાથે અલગથી આઈસીસીએ દંડ ફટકાર્યો છે. ICCએ તેને તેના બંધારણની કલમ 2.7 માટે દોષિત ગણાવ્યો છે. આ અંતર્ગત તેના પર મેચ ફીના 15 ટકાનો વધારાનો દંડ લગાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ ઉપર ઓસ્ટ્રેલિયાની ટીમને પણ ICCએ દંડ ફટકાર્યો છે.
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંનેને આઈસીસી દ્વારા સ્લો ઓવરરેટ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. માહિતી મળી આવી છે કે ભારતીય ટીમ મેચના અંતે પાંચ ઓવર પાછળ હતી જ્યારે કાંગારૂ ટીમ ચાર ઓવર પાછળ હતી. આ માટે, બંને ટીમોને ICC બંધારણની કલમ 2.2 હેઠળ દોષી ઠેરવવામાં આવી હતી. તે મુજબ તમામ ખેલાડીઓને દરેક ઓવર માટે 20 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલે કે ભારતીય ટીમના ખેલાડીઓની 100 ટકા મેચ ફી કાપવામાં આવી હતી. તો ઓસ્ટ્રેલિયન ટીમના દરેક ખેલાડીને મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવશે.
ગિલને ખોટી રીતે આઉટ અપાતા ભારતીય ફેન્સ નારાજ થયા હતા
ડબ્લુટીસીની ફાઈનલના ચોથા દિવસે જ્યારે ભારતીય ટીમ બીજી ઈનિંગ રમવા ઉતરી ત્યારે ઓપનર શુભમન ગિલને ખોટી રીતે આઉટ અપાતા ભારતીય ફેન્સ નારાજ થયા હતા અને તેમણે ઓસ્ટ્રેલિયન ટીમ અને ખાસ કરીને કેમરન ગ્રીનનો હુરિયો બોલાવ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર 41 રન હતો ત્યારે ગ્રીને ગિલનો કેચ પકડયો હતો અને નરી આંખે જોઈ શકાતું હતું કે બોલે જમીનને સ્પર્શ કર્યો હતો. ગ્રીને ડાઈવ મારીને એક હાથે કેચ પકડયો હતો ત્યારબાદ મામલો થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબારો પાસે પહોંચ્યો હતો. રિપ્લેમાં દેખાઈ રહ્યું હતું કે બોલ જમીન પર પણ લાગ્યો છે તો છતાં રિચર્ડે ગિલને આઉટ આપ્યો હતો જેનાથી ગિલ અને રોહિત શર્મા પણ નિરાશ થયો હતો. ગિલ આજે સારું રમી રહ્યો હતો અને રોહિત સાથે તેની ભાગીદારી ઓસ્ટ્રેલિયા માટે જોખમી લાગી રહી હતી.