છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડાના સંબંધો કડવાશભર્યા ચાલી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપ કર્યો કે કેનેડામાં રહેતા શીખ ખાલિસ્તાનવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તેના પછી ભારત અને કેનેડાના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઇ. તેના પછી અનેક એવી ઘટનાઓ બની જેના કારણે બંને દેશો વચ્ચેના કડવા સંબંધો વધુ બગડ્યા. હવે ભારત અને કેનેડા વચ્ચે આમ પણ કડવાશભર્યા ચાલી રહેલા આ સંબંધો વધુ વણસ્યા છે.
જ્યારે જસ્ટિન ટ્રુડો સરકારે શીખ અંતિમવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેની તપાસમાં કેનેડા ખાતેના ભારતીય હાઇ કમિશ્નરને સાંકળવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે કે ભારતે પોતાના રાજદ્વારી સામે ઉપજાવી કાઢેલા આક્ષેપો સામે પગલા લેવાની ચેતવણી આપી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા કટુતાભર્યા વિવાદમાં આ પ્રથમ બનાવ છે કે જ્યારે કેનેડાએ ભારતીય રાજદ્વારીઓ, અને તેમાં પણ હાઇ કમિશનર જેવા ઉચ્ચ પદાસીન રાજદ્વારી સામે શંકાની સોય ચિંધી છે અને તેમની સામે તપાસ થવી જરૂરી છે એમ કહ્યું છે.
કેનેડાના આ આક્ષેપો સામે એક સખત પ્રહારો કરતા જવાબમાં ભારતે કેનેડા ખાતેના પોતાના હાઇ કમિશ્નર સંજય કુમાર વર્મા સામેના આક્ષેપોને ઢંગધડા વગરના અને મત બેન્કના રાજકારણની આસપાસ કેન્દ્રિત થયેલા ટ્રુડો સરકારના રાજકીય એજન્ડામાંથી જન્મેલા ગણાવ્યા હતા. કેનેડાના આ આક્ષેપો પછી ભારતે પોતાના હાઇ કમિશનર અને લક્ષ્ય બનાવવામાં આવેલા અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને કેનેડાથી પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હી ખાતેના કેનેડાના ચાર્જ દ અફેર્સને બોલાવ્યા તેના થોડા જ સમય પછી આ નિર્ણય લેવાયો હતો. કેનેડાના ચાર્જ દ અફેર્સને સોમવારે સાંજે સેક્રેટરી(ઇસ્ટ) દ્વારા બોલાવવામાં આવ્યા હતા. તેમને જાણ કરવામાં આવી હતી કે કેનેડામાં ભારતીય હાઇ કમિશનર તથા અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાયાવિહોણી રીતે લક્ષ્ય બનાવવામાં આવ્યા તે બાબત સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે ભારતે પોતાના હાઇ કમિશનર અને અન્ય લક્ષ્ય બનાવવામાં આવેલ રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.
વર્તમાન ટ્રુડો સરકારના પગલાઓએ તેમની સુરક્ષા ભયમાં મૂકી છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આ સરકારની પ્રતિબધ્ધતા પર અમને ભરોસો નથી એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની ભારતની જાહેરાત પછી થોડા જ સમયમાં એવા પણ અહેવાલ આવ્યા કે ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને કાઢી મૂક્યા છે અને તેમને વહેલી તકે દેશ છોડી જવા જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રવિવારે કેનેડા તરફથી એક રાજદ્વારી સંદેશો મળ્યો હતો જે સૂચવતો હતો કે ભારતીય હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં એક તપાસની બાબતમાં પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકાર ત્રાસવાદ, હિંસા અને ભારત સામેના અલગતાવાદને ટ્રુડો સરકારના ટેકા સામે પોતાના જવાબમાં વધુ પગલા લેવાનો અધિકાર ધરાવે છે એમ પણ કેનેડાના ચાર્જ દ અફેર્સને જણાવવામાં આવ્યું હતું.
કેનેડામાં ભારતથી ગયેલા શીખ સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે. કેનેડાના રાજકારણ પર પણ તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. કેનેડાની સંસદમાં પણ ઘણા શીખ સાંસદો ચૂંટાઇ આવે છે અને કેટલાક શીખ સાંસદો મંત્રીઓ પણ બન્યા છે. વર્ષોથી કેનેડામાં મોટા પ્રમાણમાં સ્થાયી થયેલા શીખ સમુદાયના ઘણા લોકો ભારતમાંથી અલગ શીખ રાષ્ટ્રની માગણી કરતી ખાલિસ્તાનવાદી ચળવળના ટેકેદાર બની ગયા છે અને કેટલાક શીખ અલગતાવાદીઓ ત્યાં ખૂબ સક્રિય છે. આવા જ એક શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂન ૨૦૨૩માં કેનેડાના સરે વિસ્તારમાં હત્યા થઇ ગઇ.
જેના થોડા સમય પછી ખુદ કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ આ હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો અને ત્યારથી મામલો બગડ્યો. ભારતે આ આક્ષેપો ફગાવી દીધા છે. ભારત વાજબી રીતે જ કેનેડા સરકાર સમક્ષ ખાલિસ્તાનવાદીઓની પ્રવૃતિઓ રોકવા માગણી કરે છે પણ કેનેડા સરકાર આ બાબતે ભાગ્યે જ કશું કરે છે અને શીખ અલગતાવાદીની હત્યા બાબતે ભારત પર આક્ષેપ મૂક્યો છે.
હવે આ પ્રકરણમાં એક ગંભીર બાબત ઉમેરાઇ છે અને તે એ કે કેનેડાએ હાઇ કમિશનર સહિતના ભારતીય રાજદ્વારીઓ પર શંકા ઉઠાવી છે. હવે ભારતે ખૂબ જ સાવધાની અને મુત્સદ્દીપણાથી કામ લેવુ પડશે. અમેરિકા સરકાર પણ એક શીખ અલગતાવાદી ગુરપતવંત સિંઘ પન્નુનની હત્યાના પ્રયાસનો આક્ષેપ ભારતીય અધિકારીઓ પર કરી રહ્યું છે તેમાં આ કેનેડાનો આક્ષેપ ઉમેરાયો છે અને તે તો અમેરિકાના આક્ષેપ કરતા પણ ઘણો વધુ ગંભીર છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાના ખુલાસાઓ હવે સિફતપૂર્વક મૂકવા પડશે.